એક છોકરીના હૃદયની વાતને વર્ણવતી મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ ‘હૂં તારી હીર’નું ટ્રેલર લૉન્ચ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ગુજરાતી સિનેમા છેલ્લા કેટલાંક વર્ષોથી વૈવિધ્યસભર બની રહ્યું છે. ખાસ કરીને ફિલ્મની વાર્તાથી લઇને સિનેમેટોગ્રાફી, મ્યુઝિકથી લઇ સંવાદો, લોકેશન્સની બાબત પર મેકર્સ ઝીણવટભરી રીતે કામ કરતા જોવા મળી રહ્યાં છે. દર્શકોને રોમાન્સનો એક અપ્રતિમ અનુભવ કરાવવા માટે બહુપ્રતિક્ષિત ગુજરાતી ફિલ્મ ‘હૂં તારી હીર’ 7 ઓક્ટોબર, 2022ના રોજ થિયેટર્સમાં રીલિઝ થવા માટે તૈયાર છે, જેનું ટ્રેલર 29 ઓગસ્ટના રોજ લૉન્ચ કરવામાં આવ્યું છે. ‘હૂં તારી હીર’ના ટ્રેલરના સંગીત અને સંવાદોને દર્શકો તરફથી ખૂબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

ફિલ્મ ‘હૂં તારી હીર’નું ટ્રેલર ‘દરેક છોકરી સશક્ત બની શકે છે’ તે વાક્યથી શરૂ થાય છે. જે એક સામાજિક સંદેશ આપતી ફિલ્મની કથાવસ્તુને મજબૂતાઇથી રજૂ કરે છે. ફિલ્મ અર્બન, રૂરલ અને ઇન્ટરનેશનલ કલ્ચરને રજૂ કરે છે. ટ્રેલરમાં રજૂ કરાયેલા સંવાદો ફિલ્મને મસ્ટ વોચ્ડ અપકમિંગ મૂવીની પંક્તિમાં જોડી દે છે. સંગીત પણ દર્શકોને પસંદ આવી રહ્યું છે. ટૂંકમાં કહીએ તો આ એક એવી વાર્તા છે, જે એક છોકરીના હૃદયની અવર્ણિત વાતને વર્ણવે છે, જેમાં તે લગ્નજીવનને લઇ સંઘર્ષ કરતી જોવી મળી રહી છે.

ટ્રેલર વિશે જણાવતા ફિલ્મના ડિરેક્ટર ધ્વનિ ગૌતમે જણાવ્યું, “ ‘હૂં તારી હીર’ના ટીઝરને જે રીતે પ્રતિસાદ મળ્યો હતો, તેવો જ પ્રતિસાદ ટ્રેલરને પણ મળી રહ્યો છે. ટ્રેલર લૉન્ચ થયા બાદ અનેક છોકરીઓએ તેમનું નામ હીર ન હોવા છતાં આ તેઓની પોતાની કહાણી હોય તેમ લાગી રહ્યું હોવાનું મને જણાવી રહી છે. ગુજરાતી સિનેમાની આ પ્રથમ ફિલ્મ છે, જેને લિસ્બેનિયા યૂરોપમાં ફિલ્માવવામાં આવી છે. ફિલ્મમાં અનેક જાણીતા ગાયકોએ પોતાનો કંઠ આપ્યો છે અને ફિલ્મ સંપૂર્ણ પણે પારિવારિક મનોરંજન બની રહેવાની સાથે દર્શકોને રજૂ કરાયેલા સામાજિક સંદેશ સાથે જોડવામાં સફળ રહેશે.”

‘હૂં તારી હીર’ મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ છે. જેમાં ડ્રામા, મ્યુઝિક અને રોમાંસ તમને પહેલા ક્યારેય ન થયો હોય તેવો રોમેન્ટિક અનુભવ કરાવશે. ધ્વનિ ગૌતમ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘હૂં તારી હીર’માં પૂજા જોશી, ભરત ચાવડા, ઓજસ રાવલ, ધર્મેશ વ્યાસ, ધ્વનિ ગૌતમ મુખ્ય પાત્રોમાં જોવા મળશે. ‘હૂં તારી હીર’ ફિલ્મને ડેસ્ટિનેશન્સ યોર્સ એન્ટરટેઇનમેન્ટ્સ દ્વારા પાવરા એન્ટરટેઇનમેન્ટ અને ધ્વનિ ગૌતમ ફિલ્મ્સની સહયોગિતમાં પ્રોડ્યુસ કરવામાં આવી છે, જેના નિર્માતા જયેશ પાવરા, દિશા ઉપાધ્યાય અને સમીર એમ ઉપાધ્યાય છે.

ટ્રેલર લિંકઃ https://www.youtube.com/watch?v=YjBIEacOs2U

Share This Article