અમદાવાદ : મહીસાગર જિલ્લાના જંગલમાં દેખાયેલા રાષ્ટ્રીય પ્રાણી વાઘને બચાવવા માટે વન વિભાગ દ્વારા હવે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે. આ સાથે જ આગામી ઉનાળાની ઋતુમાં જંગલમાં દવાનળ ફાટી ન નીકળે તે માટે વિશેષ કાળજી રાખવા તમામ ફોરેસ્ટ ઓફિસરોને ડી.એફ.ઓ. અને સી.સી.એફ. દ્વારા સૂચના જારી કરવામાં આવી છે.
બીજીબાજુ, વનવિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, આ વાઘ એકાદ વર્ષ પહેલા મધ્યપ્રદેશના જાંબુઆ જંગલ વિસ્તારમાં જાવા મળ્યો હતો, જે ત્યાંથી ખોરાક-પાણીની શોધમાં ગુજરાત તરફ આવી ગયો હોવાનું મનાય છે. આ અંગે ગોધરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રોહિત પટેલે જણાવ્યું હતું કે, મહીસાગર જંગલમાં વાઘ હોવાની પુષ્ટિ થયા બાદ વાઘ ૪૦ થી ૫૦ કિ.મી.ના જંગલમાં ફરી શકે છે. મંગળવારે રાત્રે લગાવેલા નાઇટ વિઝન કેમેરા આજે સવારે ચેક કરવામાં આવ્યા હતા. પરંતુ, તેમાં વાઘ દેખાયો નથી.
હવે ડી.એફ.ઓ. અને સી.સી.એફ.ની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાઘની સુરક્ષા માટેના પગલાં ભરવાના છે. ખાસ કરીને આગામી ઉનાળાની ઋતુમાં જંગલમાં દાવાનળ ફાટી ન નીકળે તે માટે વિશેષ કાળજી રાખવાની છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વાઘને ગરમી લાગવાથી ગુફામાં રહેતો નથી. વાઘ ખુલ્લામાં અથવા તો પાણીમાં રહે છે. જંગલની બાજુમાંથી પાનમ નદી જાય છે. આ ઉપરાંત જંગલમાં પણ નાના-મોટા તળાવો છે.
આથી મહીસાગર જિલ્લાના જંગલમાં આવેલા વાઘને પાણીની પણ તંગી પડશે નહીં. વાઘની સુરક્ષાની સાથે આસપાસના ગામ લોકો તેમજ તેમના પશુઓની સુરક્ષા માટે પણ હંમેશા ફોરેસ્ટ વિભાગ જરૂરી કાર્યવાહી કરે છે. તેમ છતાં મહિસાગરના જંગલમાં આવેલા વાઘની સુરક્ષાની સાથે આસપાસના ગામ લોકોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. દરેક ગામના સરપંચ, ડેરી પ્રમુખને પત્રિકાઓ આપીને જરૂરી સૂચના આપવામાં આવી છે. તેમ આર.એફ.ઓ. રોહિત પટેલે ઉમેર્યું હતું.