અમદાવાદ : પુલવામા આતંકી હુમલા બાદ હવે સોમનાથ મંદિર પર આતંકી હુમલાનું જોખમ વધ્યું છે. તાજેતરમાં મુખ્યમંત્રી રૂપાણીએ પણ ગુજરાત એલર્ટ પર હોવાનો સ્વીકાર કર્યો છે. આતંકી હુમલાના ખતરાને લઈ સોમનાથ મંદિરની સુરક્ષામાં નોંધનીય વધારો કરવામાં આવ્યો છે પરંતુ દરિયાઈ વિસ્તારમાં આતંકી પ્રવૃતિઓ સક્રીય થઈ હોવાના ઈનપૂટ મળ્યા છે. ખુદ વેરાવળ માછીમાર બોટ એસોસિયેશન દ્વારા આ અંગેની ગંભીર દહેશત વ્યકત કરતાં જણાવ્યું છે કે, આ દરિયાઇ પટ્ટાના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પરપ્રાંતીય બોટોના આંટાફેરા વધી ગયા છે, જેઓને અહીંના સ્થાનિક માછીમારો કે લોકો ઓળખતા પણ નથી તેમછતાં આવા તત્વો બિન્દાસ્ત રીતે આપણા દરિયાઇ વિસ્તારમાં બોટો લઇને આવનજાવન કરી રહ્યા છે.
આ સમગ્ર મામલે સ્થાનિક સત્તાતંત્રનું ધ્યાન દોરાયું હોવાછતાં હજુ સુધી કોઇ પગલાં લેવાયા નથી. પોલીસ, સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટી તંત્રની આ ગંભીર ઉદાસીનતા અને આંખ આડા કાન કરવાની નીતિને લઇ હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે ખાસ કરીને જા આંતકી હુમલા જેવી કોઇ ઘટના ઘટશે કે અન્ય કોઇ અનિચ્છનીય બનાવો બનશે તો તે માટે જવાબદાર કોણ તેવા સવાલો હવે તંત્ર માટે ઉઠી રહ્યા છે. પ્રમુખ તુલસી ગોહેલે સાથે વાત કરતા જણાવ્યું કે, દરિયાઈ વિસ્તારમાં પરપ્રાંતિય બોટોનાં ૨૪ કલાક આંટાફેરા વધી ગયા છે અને તેના લોકોને કોઈ ઓળખતું પણ નથી. આ સમગ્ર મામલે વેરાવળ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ તુલસી ગોહેલે જણાવ્યું હતું કે, વેરાવળ બંદરમાં અજાણી બોટો ૨૪ કલાક આંટા મારી રહી છે, જેના માણસો અહીંના નથી. તેને કોઈ ઓળખતા નથી. તેમજ મચ્છી કે સામાન ઉતારવા જેવા આદાન પ્રદાન કરવા દરમિયાન કોઈ ચેક કરતું નથી. કોઈ એજન્સી પાસે તેનો રેકોર્ડ નહીં હોય. વેરાવળની ફિશિંગ બોટની ઈન-આઉટ વોઈસબુક મેઈન્ટેઈન થતી હોય છે.
ફિશિંગમાં જાય એટલે જવાની અને આવવાની તારીખ લખવાની હોય છે. જેને મરિન પોલીસ તપાસ કરે કે કેટલા દિવસ મોડા કે વહેલાં આવ્યા. પરંતુ અજાણી બોટોને કોઈ તપાસતું નથી. જેના કારણે સોમનાથ મંદિરથી લઈ વેરાવળ બંદર પર હુમલા થવાની શક્યતા વધી ગઇ છે. ફિશરિઝ લેન્ડમાં વેરાવળ મરિન પોલીસની ૧૨ નોટિકલ માઈલની સુરક્ષાની જવાબદારી છે. ગુજરાતની બોટોને ચેક કરવામાં આવે છે પણ અજાણી બોટોને ઘુસવા માટે કોસ્ટગાર્ડ, મરિન પોલીસ કે ફિશરિઝની મંજૂરી લેવાની જરૂર લાગતી નથી. જે જગ્યા પર અજાણી બોટો આંટા મારે છે ત્યાં ટ્રકો બંધ દારૂ પણ ઉતરી ચૂક્યા છે. આ માધ્યમથી મહારાષ્ટ્ર, ગોવા, તમિલનાડુ, કર્ણાટક જેવા રાજ્યોને, ગુજરાતમાં વેરાવળ સિવાય કોઈ જગ્યાએ બોટ લઈ નહીં જઈ શકાય તેનો ખ્યાલ છે.
આ બંદર પરથી સૌથી વધુ નિકાસ થાય છે. અહીં લાખો લોકો કામ કરે છે અને સોમનાથ જેવા યાત્રિક સ્થળ છે પણ તેની સુરક્ષાની જવાબદારી કોની? આતંકી હુમલા માટે સૌરાષ્ટ્રના દરિયા કિનારો સરળ રસ્તો છે. તે અગાઉ પણ આપણે જોઇ લીધુ છે. મુંબઇ હુમલા વખતે આતંકીઓએ પોરબંદરથી બોટનો ઉપયોગ કરી ખેલનો અંજામ પાડ્યો હતો. આ અગાઉ પણ ગોસાબારા આરડીએક્સ લેન્ડીંગ પ્રકરણને લઇ આતંકી પ્રવૃતિના પાયા નંખાયા હતા તે જગજાહેર છે ત્યારે ફરી ગુજરાત હાઇ એલર્ટ પર છે એવા સંજાગોમાં સરળ રસ્તો સૌરાષ્ટ્રનો દરિયો છે કે જ્યાંથી બેરોકટોક આતંકીઓ ધુસી શકે છે. પુલવામાના આટલા મોટા હુમલા પછી માછીમાર બોટ એસસોસિએશને કરેલા ગંભીર આક્ષેપો છતા તંત્ર તો સબસલામતનાં દાવા કરી રહ્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, સુમુદ્રી સુરક્ષા બાબતે સુરક્ષા વિભાગની ગંભીર બેદરકારીની પણ પોલ છતી થઇ ગઇ છે. હવે રાજય સરકારે સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ તાત્કાલિક આદેશો જારી કરવા જોઇએ.