મોરબીમાં થયેલી મોટી દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી પર ૧૪ નવેમ્બરે સુનાવણી થશે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટના વકીલ સુશીલ તિવારીએ PIL ફાઇલ કરી છે. તેમાં દુર્ઘટના મામલે રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજના નેતૃત્વમાં એસઆઈટી બનાવીને તપાસ કરવાની માગ કરવામાં આવી છે. રાજ્યમાં ગમગીની ફેલાવનારા મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલે ૧૩૪ લોકોના ભોગ લીધા છે. આ સાથે હજી ૧૭ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મચ્છુની ગોજારી ઘટનાનો તાગ મેળવવા વડાપ્રધાન મોદી આજે બપોર બાદ ઘટનાસ્થળની મુલાકાત લેશે અને પીડિત પરિવારો સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે સાંજે ગાંધીનગરના રાજભવનમાં મોરબીની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર એ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો કે, અકસ્માતમાં અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય મદદ મળે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપી સહિત રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ સહિતના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો પુલ તૂટવાના કેસમાં સોમવારે ઓરેવા ગ્રુપના ચાર કર્મચારીઓ સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી. અંગ્રેજોના જમાનામાં બનેલા આ પુલની જાળવણી અને સંચાલનનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રુપને મળ્યો હતો.