નવી દિલ્હી : સર્વોચ્ચ અદાલતે સમગ્ર દેશમાં સંગઠિત રીતે બાળ તસ્કરીના મુદ્દા પર વ્યાપક સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ મામલે ડેટા એકત્રિત કરવા અને રિપોર્ટ દાખલ કરવા નિર્દેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે આ આદેશ અરજદાર સંજય અને અન્ય દ્વારા ઉત્તર પ્રદેશ સરકાર વિરુદ્ધ દાખલ કરેલી અરજી પર આપ્યો હતો. જસ્ટિસ હૃષિકેશ રોય અને એસવીએન ભાટીની બેન્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને નીચેની વિગતો ધરાવતો અહેવાલ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને રાજસ્થાન રાજ્યોમાં ફેલાયેલા બાળ તસ્કરીના રેકેટમાં સંડોવાયેલા છ આરોપીઓને જામીન આપવામાં આવતા હાઈકોર્ટના આદેશોને રદ કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ નિર્દેશો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જે લોકોને જામીન આપવામાં આવ્યા હતા તેઓ પર 4 વર્ષના છોકરાનું અપહરણ કરવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે આવા કેસોમાં સામેલ પરિમાણોને ધ્યાનમાં લીધા વગર આરોપીઓને જામીન આપ્યા હતા.
સુપ્રીમ કોર્ટે ૬ પ્રશ્નો પૂછ્યા, જેમાં પહેલો પ્રશ્ન એ પૂછ્યો છે કે 2020થી એટલે કે જ્યારે ક્રાઈમ મલ્ટી એજન્સી સેન્ટર (Cri-MAC) શરૂ કરવામાં આવ્યું ત્યારથી દરેક જિલ્લા/રાજ્યમાં ગુમ થયેલા બાળકોના કેટલા કેસ નોંધાયા છે? બીજો પ્રશ્ન એ પૂછ્યો છે કે, નોંધાયેલા કેસોમાંથી, 4 મહિનાના નિર્ધારિત સમયગાળામાં કેટલા બાળકો પુનઃપ્રાપ્ત થયા છે અને કેટલા બાળકો હજુ પુનઃપ્રાપ્ત થવાના બાકી છે? ત્રીજો પ્રશ્ન એ પૂછ્યો છે કે, શું દરેક જિલ્લામાં માનવ તસ્કરી વિરોધી એકમોની સ્થાપના કરવામાં આવી છે અને જો તેમ હોય તો, સંબંધિત માનવ તસ્કરી વિરોધી એકમોને કેટલા કેસ સોંપવામાં આવ્યા છે, ચોથો પ્રશ્ન એ પૂછ્યો છે કે, લાગુ પડતા કાયદાઓ હેઠળ તસ્કરી વિરોધી એકમોને શું સત્તા આપવામાં આવે છે? પાંચમો પ્રશ્ન એ પૂછ્યો છે કે, દરેક જિલ્લા/રાજ્યમાં બાળ તસ્કરી સંબંધિત કેસોની સંખ્યા. અને છઠ્ઠો પ્રશ્ન એ પૂછ્યો છે કે, તપાસમાં વિલંબ અથવા ગુમ થયેલ બાળકની પુનઃપ્રાપ્તિના કિસ્સામાં સંબંધિત રાજ્યો શું પગલાં લેવા માગે છે તે સહિતનો વર્ષ મુજબનો ડેટા પ્રદાન કરવો જોઈએ.