અમદાવાદ :પ્રચંડ વાવાઝોડા અને વરસાદના કારણે ૧૦ લોકોના મોત થયાના એક દિવસ બાદ તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં આજે પણ કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદના અહેવાલ મળી રહ્યા છે. જો કે, હવામાન વિભાગ તરફથી હજુ સુધી કોઇપણ પ્રકારની આગાહી વરસાદ માટે કરી નથી. ગઇકાલે મહત્તમ તાપમાનમાં ઘટાડો રહ્યો હતો. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૪.૬ ડિગ્રી રહેતા કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી હતી. પાટનગર ગાંધીનગરમાં પણ ૩૪.૪ ડિગ્રી પારો રહ્યો હતો. રાજ્યમાં કોઇપણ જગ્યાએ પારો ૩૬થી ઉપર ન રહેતા લોકોને રાહત થઇ છે.
જો કે, મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાના હવે સંકેતો દેખાઈ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, અમદાવાદ શહેર, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સહિતના કેટલાક વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો અને તો, સૌરાષ્ટ્રમાં મોરબી, વાંકાનેર, ધ્રોલ, ટંકારા સહિતના પંથકોમાં તો કરા સાથેનો જોરદાર વરસાદ તૂટી પડયો હતો. બનાસકાંઠાના કાંકરેજ, દિયોદર અને વાવ તાલુકામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ તથા કરા પડ્યા હતા. જને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં એકબાજુ, વરસાદ અને પ્રચંડ વાવાઝોડાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી તો,
બીજીબાજુ, ખેડૂતોમાં કેરીના પાક સહિતના પાકને નુકસાનની દહેશતને લઇ ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી. અમદાવાદ ઉપરાંત, વિરમગામ, માંડલ, દેત્રોજ સહિતના પંથકોમાં પણ ભારે વાવાઝોડા સાથે વરસાદ પડયો હતો. ડિસામાં ૩૨.૨, ગાંધીનગરમાં ૩૪.૪, વડોદરામાં ૩૫, સુરતમાં ૩૪.૮, અમરેલીમાં ૩૬.૨, રાજકોટમાં ૩૬.૩, સુરેન્દ્રનગરમાં ૩૪.૪ ડિગ્રી પારો રહ્યો હતો.