ગાંધીનગર ખાતે ગત તા. 26મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને ધ્યાને લઈ કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારે કેન્દ્રીય નોડલ એજન્સીના માધ્યમથી ટેકાના ભાવે ખરીદીનું વિશેષ આયોજન કર્યું છે.
આ આયોજન અંગે વિગતો આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે લાભ પાંચમ પછી તા. 11મી નવેમ્બર, 2024ના રોજથી ખરીદી શરૂ કરવા માટેનો મહત્વપૂર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં ખરીફ પાકોના કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદી માટે 160થી વધુ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો ખાતેથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા માટે ખેડૂતોને અનુરોધ કરતા મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતોએ તા. 3 ઓક્ટોબરથી 31 ઑક્ટોબર, 2024 દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે, અને આ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે, ભારત સરકારે ચાલુ વર્ષ 2024-25 માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કર્યા હતા. જે અનુસાર મગફળી રૂ. 6,783 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1356.60 પ્રતિ મણ), મગ રૂ. 8,682 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1736.40 પ્રતિ મણ), અડદ રૂ. 7,400 પ્રતિ ક્વિન્ટલ (રૂ.1480 પ્રતિ મણ) તેમજ સોયાબિન રૂ. 4,892 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 978.40 પ્રતિ મણ)ના ભાવે ખરીદી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગુજરાતના ખેડૂતો પાસેથી પી.એસ.એસ હેઠળ ટેકાના ભાવે 61,372 લાભાર્થી ખેડૂતો પાસેથી રૂ. 671 કરોડથી વધુ કિંમતના 1,18,000 મે. ટન જથ્થાની ખરીદી કરવામાં આવી હતી. ગત વર્ષના પ્રમાણમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ લે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.