ગુજરાતી ફિલ્મો હંમેશાથી મનોરંજન પીરસતી આવી રહી છે. પોતાના આ સબળ પરિબળ સાથે ફિલ્મો પારિવારિક દર્શકોને થિયેટર્સ સુધી આકર્ષવામાં સફળ રહે છે. ત્યારે શ્રેષ્ઠ કોમિક ટાઇમીંગ સાથેના નવ રસ સાથેની ફિલ્મ ‘હેય કેમ છો લંડન’ થિયેટર્સમાં 2 સપ્ટેમ્બરે રિલીઝ થઇ છે, જેનો પ્રીમિયર શો અમદાવાદ ખાતે યોજાયો હતો. ફિલ્મના પ્રીમિયર શોમાં ફિલ્મના મુખ્ય કલાકારો મિત્રા ગઢવી, માનસ શાહ, લીના જુમાની અને ડિરેક્ટર સની સુરાણી ઉપસ્થિત રહ્યાં હતા.
ફિલ્મ ‘હેય કેમ છો લંડન’ ડ્રામા, કોમેડી અને રોમાન્સનું સર્વશ્રેષ્ઠ મિશ્રણ લઇને આવે છે. ફિલ્મમાં સામાન્ય પરિવારમાં જોવા મળતા સંબંધોને રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મનું શુટિંગ લંડનમાં કરવામાં આવ્યું છે, જે લંડનની ભવ્યતાને દર્શાવે છે, જ્યારે ગુજરાતની સુંદરતાને દર્શાવતા કચ્છમાં પણ શુટિંગ કરવામાં આવ્યું છે. એબી ઇન્ટરનેશનલ અને મેંગો સ્ટુડિયોસ દ્વારા રજૂ કરાયેલી ફિલ્મ ‘હેય કેમ છો લંડન’ના નિર્માતા અમિત બેસનેટ અને સની સુરાણી છે.
‘હેય કેમ છો લંડન’ના ડિરેક્ટર સની સુરાણીએ જણાવ્યું, “ઘણા વર્ષોથી હું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું. ગુજરાતી સિનેમાને નવી ઉંચાઇએ લઇ જવા અને દર્શકોને કંઇક નવો જ સિનેમેટિક અનુભવ કરાવવા માટે કંઇક કરવાની એક અદમ્ય ઇચ્છા હતી અને આ દિશામાં આગળ વધી અમે ફિલ્મ ‘હેય કેમ છો લંડન’ને રજૂ કરી રહ્યાં છે. ફિલ્મ એક શુદ્ધ મનોરંજન પીરસતી સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે. આ ફિલ્મમાં ઉભી થતી પરિસ્થિતિ અનેક વળાંકો સાથે તેને સંપૂર્ણ મનોરંજન બનાવે છે. ફિલ્મ એક આશ્ચર્યજનક ટ્વિસ્ટ એન્ડ ટર્ન ધરાવે છે, જે દર્શકોને જકડી રાખશે તેની હું ખાતરી આપુ છું. આ ફિલ્મને દરેક રીતે શ્રેષ્ઠ બનાવવા માટે મેકર્સ અને મારા સહિત લેખક, સંગીતકાર સહિતની યુવા ટીમે ખૂબ જ મહેનત કરી છે. અમે સૌએ ગુજરાતી સિનેમાને એક નવી જ ઓળખ આપવા ફિલ્મ ‘હેય કેમ છો લંડન’ માટે ખૂબ જ જહેમત અને મહેનત ઉઠાવી છે, જે તેના ડિરેક્શન, મ્યુઝિક, સિનેમેટોગ્રાફી, બેક ગ્રાઉન્ડ મ્યુઝિક, લેખન અને કોરિયોગ્રાફી સહિતના પાસાઓ પરથી પ્રતિબિંબિત થાય છે. હું એમ કહીશ કે આ ફિલ્મના નિર્માણ માટે અમે અમારી સાથે જ સ્પર્ધાત્મક રહ્યાં છીએ.”
સની સુરાણીના ડિરેક્ટર હેઠળ બનેલી ફિલ્મ ‘હેય કેમ છો લંડન’માં સિચ્યુએશનલ કોમેડીની વણઝાર જોવા મળે છે, જે દર્શકોને આગળ હવે શું થશે તે વિચારવા માટે મજબૂર કરી દે છે. ફિલ્મમાં શુદ્ધ કોમેડી દર્શકોને મનોરંજન ફિલ્મમાં મિત્રા ગઢવી, માનસ શાહ, લીના જુમાની, મુનિ ઝા, અનંગ દેસાઇ, અલ્પના બુચ, લીના પ્રભુ અને દિપ વૈદ્ય મુખ્ય પાત્રોમાં જોવા મળી રહ્યાં છે. ફિલ્મના ગીતો લંડન અને કચ્છમાં ફિલ્માવવામાં આવ્યા છે, તેની ગાતે ‘કેમ છો’, ‘ઢોલીડા’ અને ‘તારા ઘેનમાં..’ પહેલાથી જ ખૂબ જ લોકપ્રિય બની ચૂક્યાં છે.