કાળા નાણાનું નિવારણ કરવા માટે લાવવામાં આવેલ નોટબંધીના સમયે નાણાની અછતનો જે માહોલ સર્જાયો હતો તેવો માહોલ ફરી એકવાર અનેક રાજ્યોમાં જોવા મળી રહ્યો છે.ત્યારે હવે સવાલ એ છે કે શું કાળાનાણાંના સંગ્રહખોરોએ હવે રુ.2000ની નોટો પર પણ પોતાનો કબજો જમાવી દીધો? કે પછી રીઝર્વ બેંકે જ મોટી નોટોની સપ્લાઈ બંધ કરી દીધી? માર્કેટમાં રુ.2000ની નોટોની અછત તમામ દેશવાસીઓને આ સવાલ કરવા પ્રેરે છે.
મધ્યપ્રદેશ, બિહાર, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં રોકડની ભારે અછત સર્જાઈ રહી છે. સરકાર અને રીઝર્વ બેંકના તમામ દાવાઓ છતા મધ્યપ્રદેશમાં તો સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે સોમવારે ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરમાં કહેવું પડ્યું હતું કે તેમને નોટોની આ અચાનક અછત પાછળ કોઈ ષડયંત્ર નજર આવી રહ્યું છે.
આ મામલે તેમણે એજન્સીઓએ તપાસ કરવી જોઈએ તેવું પણ કહ્યું. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવાય છે કે બેંકની શાખાઓમાં અને કરંસી ચેસ્ટમાં પણ રુ.2000ની નોટ સતત ઓછી થઈ રહી છે. RBIએ નોટબંધી બાદ રુ. 7 લાખ કરોડની કિંમતની રુ.2000ની નોટ બહાર પાડી હતી. ગત જુલાઈમાં આ નોટોની સંખ્યા બેંકોમાં લગભગ 35% જેટલી જ હતી. જે નવેમ્બર 2017માં ઘટીને 25 ટકા થઈ ગઈ. આ રીતે લાંબા સમયથી ધીરે ધીરે બેંકોમાંથી રોકડ ઓછી થઈ રહી છે.
એક અંદાજ મુજબ બેંકોમાં જમા રોકડ દરરોજ સરેરાશ 14 કરોડથી ઓછી થઈને 4 કરોડ થઈ ગઈ છે. જોકે દેશના અનેક રાજ્યોમાં નાણાંની અછતના સમાચાર વચ્ચે RBI અને નાણાં મંત્રાલયે આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.