અમદાવાદ : ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓના શિક્ષણનું સ્તર કથળતા પ્રાથમિક શાળાઓના બાળકોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણના સારા પરિણામો મળી રહે તે માટે વિદ્યા મિશન બાદ એકમ કસોટીનો વધુ એક અખતરો રાજ્ય શિક્ષણ વિભાગે કરી આજે શનિવારથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં એકમ કસોટી લેવામાં આવી હતી. જેમાં ગુજરાત શિક્ષણ વિભાગના પદાધિકારીઓએ મોટી પ્રશ્નો પૂછવામાં જ મોટી ભૂલ કરી હોવાનું સામે આવ્યું છે. જેને પગલે શિક્ષણજગતમાં ભારે ચર્ચા સાથે એક વિવાદ સર્જાયો છે.
ધોરણ-૩ ના પ્રશ્નપત્રમાં ગુજરાતી વિષયમાં ચિત્રોના આધારે જવાબ લખોમાં દર્શાવેલ ચિત્રથી વિભિન્ન પ્રશ્નો પુછાતા બાળકો અને શિક્ષકોમાં શિક્ષણ વિભાગના જ્ઞાન અંગે અનેક પ્રશ્નો પેદા થયા હતા અને બાળકોમાં પ્રશ્નપત્ર લઈને ભારે મૂંઝવણ અનુભવી હતી. આજે શનિવારે યોજાયેલ એકમ કસોટીમાં ધોરણ-૩ ના ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમાં પ્રશ્ન ક્રમાંક-૧ માં પુછાયેલ કે પાઠ્યપુસ્તક પાન નં-૩૮ ના આધારે નીચેના ચિત્રોનો સાચો ક્રમ ખાલી જગ્યામાં દર્શાવો.
આ પ્રશ્નમાં જેમાં ગંભીર બેદરકારી છતી થઈ હતી. જેમાં ક્રમ (૧) પારધીએ જાળ પાથરી…. તેનો ક્રમ લખવાનો હતો. જ્યારે પાઠ્યપુસ્તકના આ પાઠમાં પારધીએ જાળ ક્યાંય પાથરી જ નથી. એટલે કે ચિત્રમાં જાળ પાથરતા પારધીનું ચિત્ર જ નથી. તેવી જ રીતે પ્રથમ પ્રશ્નમાં ક્રમ (૫) માં કબૂતર ચણ ચણવા જાળ તરફ ગયું. હવે આ સવાલ પણ ખોટો છે કારણ કે પાઠમાં દર્શાવેલ ચિત્રમાં શિકારીએ જાળ પાથરી જ નથી તો ચણવા ક્યાંથી જશે? આમ પાઠ્યપુસ્તકમાં જે દર્શાવાયુ જ નથી તેવા પ્રશ્નોથી વિદ્યાર્થીઓ મૂંજાયા હતા. શિક્ષણગણ પણ વિચારમાં પડી ગયા હતા અને એકમ કસોટીના પ્રશ્નપત્રમાં રહેલી ભૂલો અંગે સોશ્યલ મીડિયામાં ભારે ટીખળ કરતી પોસ્ટ વાઈરલ થઈ હતી. શિક્ષણ વિભાગના વધુ એક છબરડાના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ એક તરફ મૂંઝવણમાં મૂકાઇ ગયા હતા તો, બીજીબાજુ, શિક્ષણ સત્તાધીશો છબરડાના બચાવમાં જાતરાયા હતા.