દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી ૫ દિવસમાં ભારે વરસાદની સંભાવના

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. છત્તીસગઢ અને અરબી સમુદ્ર ઉપર વાતાવરણમાં સર્જાયેલી સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમના કારણે આ વરસાદ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રૃપની સાપ્તાહિક બેઠકમાં રાજ્યની વરસાદી સ્થિતિનું અવલોકન કરતાં હવામાન વિભાગના નિયામક જયંત સરકારે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જુલાઇથી ઓગષ્ટ દરમિયાન સામાન્ય રીતે સારો વરસાદ થતો હોય છે. દક્ષિણ ગુજરાતના દરિયામાં ઝડપી પવનો ફુંકાવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી દિવસોમાં માછીમારી ન કરવા પણ ચેતવણી આપવામાં આવી છે.

રાહત નિયામક અને અધિક સચિવ એમ.આર.કોઠારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં આગામી દિવસોમાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની કુલ-૧૫ ટીમને એલર્ટ કરાઇ છે. જે પૈકી તાપી, વલસાડ, સુરત, બનાસકાંઠા, જામનગર, અમરેલી ખાતે ૧-૧ જ્યારે ગાંધીનગર ખાતે ૦૩ અને વડોદરામાં ૦૬ ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે.  રાજ્યમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં કુલ-૧૩ માનવમૃત્યુ નોંધાયા છે જેમાં ૧૧ ને સહાય ચૂકવવામાં આવી છે. આગામી દિવસોમાં સંભવિત વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સમગ્ર તંત્ર સજ્જ છે તેમ ઉમેર્યુ હતું.

Share This Article