રાજ્યમાં દરેક ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. રોજબરોજની ચીજોના ભાવ વધી રહ્યા છે. ત્યારે જનતાને મોંઘવારીનો વધુ એક ડામ આપવામાં આવ્યો છે. સીંગતેલના ભાવમાં ફરી ૩૦ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં ૯૦ રૂપિયાનો વધારો થયો છે. હાલ સીંગતેલના ડબ્બાનો ભાવ ૨૯૬૦ રૂપિયા થયો છે. કપાસિયા અને પામોલીન તેલમાં પણ ૧૫ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. જ્યારે સનફ્લાવર તેલના ભાવમાં પણ ૧૦ રૂપિયાનો વધારો થયો છે. હજુ તો ચાર દિવસ પહેલા જ એટલે કે ૧ એપ્રિલથી અમૂલે દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. અમુલ ગોલ્ડનો ૫૦૦ ગ્રામ જૂનો ભાવ ૩૧ હતો. જ્યારે કે નવો ભાવ ૩૨ રુપિયા કરવામાં આવ્યો છે.
અમુલ સ્ટાન્ડર્ડ દૂધ ૫૦૦ મિલીનો જૂનો ભાવ ૨૮ રુપિયા હતો અને હવે નવો ભાવ ૨૯ રૂપિયા છે. અમુલ ટી સ્પેશ્યલની વાત કરીએ તો ૫૦૦ ગ્રામનો જૂનો ભાવ ૨૯ રૂપિયા હતો. જો કે હવે નવો ભાવ ૩૦ રૂપિયા થઈ ગયો છે. આ તરફ સુરતની સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨નો વધારો કરવામાં આવ્યો છે. અમુલ બ્રાન્ડના ગોલ્ડ, તાજા, શક્તિ તથા ગાયના દૂધના ૫૦૦ એમએલના પાઉચના ભાવમાં રૂ.૧ નો વધારો થયો છે. તો ૨૫૦ એમએલની દૂધની થેલી તથા ૫૦૦ એમએલ છાશનો ભાવ યથાવત છે. ૬ લિટરની છાશની થેલીના ભાવમાં રૂ.૬નો વધારો થયો છે.