જૂનાગઢના વૃદ્ધ શિવાલયોનું ચઢાવેલ દૂધ ગરીબોમાં આપે છે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

શ્રાવણ માસમાં શિવ મંદિરમાં ભક્તો મહાદેવને બિલીપત્ર તેમજ દૂધ ચડાવે છે. ત્યારે જૂનાગઢના ૭૦ વર્ષના ઓન્લી ઈન્ડીયન નામથી પ્રખ્યાત વૃદ્ધ છેલ્લા ૧૦ વર્ષથી શિવાલયમાં ચઢાવેલા દૂધને એકઠું કરીને ગરીબોને આપે છે. આપે બેંકો તો અનેક જોઈ હશે પણ મીલ્ક બેન્ક કદી જોઈ નહી હોય તો આ મીલ્ક બેંક જૂનાગઢના ૭૦ વર્ષના વૃદ્ધ ઓન્લી ઇન્ડિયન ચલાવી રહ્યા છે. તે મિલ્ક બેન્ક થકી સાચા અર્થમાં માનવ સેવાનું કાર્ય કરી રહ્યા છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શીવભક્તો મહાદેવની સેવા પૂજા કરતા હોય છે અને શીવજીને દૂધ–પાણી અને બીલીપત્રથી અભીષેક કરીને ધન્યતા અનુભવતા હોય છે. શિવજીને ચઢાવવામાં આવતું દૂધ બહાર વહી જતું હોય છે, પરંતુ જૂનાગઢના આ વ્યસ્ક દ્વારા આ દૂધનો અનોખો ઉપયોગ કરી મિલ્ક બેન્ક બનાવી છે. ઓન્લી ઇન્ડિયન તરીકેની ઓળખ ધરાવતા આ મહાશય મિલ્ક બેન્ક બનાવી શહેરના ગરીબો અને કુપોષિત બાળકોના પેટ સુધી આ અભિષેકનું દૂધ પહોંચાડવાની અનોખી સેવા કરી રહ્યા છે.

ઓન્લી ઇન્ડિયને કહ્યું કે, “ઓ માય ગૉડ” ફિલ્મ જોયા પછી તેમને તેમાંથી પ્રેરણા લઈ અને આ કામ શરુ કર્યુ હતું. આ ઓન્લી ઇન્ડિયન નામના વ્યસ્કની જો વાત કરીયે તો તે પહેલા સરકારી નોકરી કરતા હતા, અને નિવૃત થયા પછી તેમને પોતાનું નામ બદલી નાખ્યું છે. તેઓ કહે છે કે, આ મારો બીજો જન્મ છે અને હું મારા જુના નામે ઓળખાવવા નથી માંગતો, ઓન્લી ઇન્ડિયન દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી આ મિલ્ક બેન્ક ચલાવવામાં આવી રહી છે. એટલે કે દર વર્ષની જેમ દરેક મોટા શિવાલયના ટ્રસ્ટીઓ સાથે સંકલન કરીને તેમને સમજાવીને સવારે મંદિરમાં દૂધના ખાલી કેન મૂકી જાય છે, મંદિરમાં આવતા શિવભક્તો પણ ટેવાઈ ગયા છે, તે થોડું દૂધ શિવલિંગ ઉપર ચડાવે છે અને બાકીનું દૂધ કેનમાં નાખી દે છે. કેન ભરાઈ જતા મંદીરમાંથી સાયકલ દ્વારા એક પછી એક આ દૂધના કેનને સેવાભાવી ડેરીવાળા પાસે લઇ જાય છે જ્યાં બધું દૂધ એકઠું કરીને તેમાં ખાંડ મિક્ષ કરવામાં આવે છે. દરરોજનું ૨૫ થી ૩૦ લીટર દૂધ એકઠું થાય છે અને મહિને ૧,૦૦૦ લીટર જેટલું દૂધ એકઠું કરવામાં આવે છે. આ તમામ દૂધ ગરીબોને તેમજ કુપોષિત બાળકોને આપવામાં આવે છે. આમ શિવ ભક્તો પણ ઓન્લી ઇન્ડિયનના કાર્યને બિરદાવી રહ્યા છે.

Share This Article