મોટેરા આશ્રમ રેપ કેસમાં આસારામની પત્ની અને પુત્રી સહિત પાંચ મહિલાઓની મુશ્કેલીઓ વધી શકે છે. ગાંધીનગર કોર્ટે પુરાવાના અભાવે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. ગુજરાત સરકારે નીચલી કોર્ટના ર્નિણયને પડકાર્યા બાદ હાઈકોર્ટે તમામને નોટિસ પાઠવી છે.ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૩ના રેપ કેસમાં આસારામની પત્ની, પુત્રી અને ત્રણ મહિલા શિષ્યોને નોટિસ ફટકારી હતી. આ કેસમાં આ મહિલાઓને નિર્દોષ જાહેર કરવામાં આવી હતી, જ્યારે આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જસ્ટિસ એ.વાય. કોગજે અને જસ્ટિસ હસમુખ સુથારની ડિવિઝન બેન્ચે આસારામની પત્ની લક્ષ્મીબેન અને પુત્રી ભારતીબેન સહિત પાંચ મહિલાઓને નોટિસ ફટકારી છે.ગાંધીનગરની એક કોર્ટે ૩૧ જાન્યુઆરીએ આસારામને ૨૦૧૩માં પૂર્વ મહિલા અનુયાયી દ્વારા દાખલ કરાયેલા બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી.
અમદાવાદ નજીક મોટેરામાં આસારામના આશ્રમમાં ૨૦૦૧ થી ૨૦૦૭ દરમિયાન મહિલા પર ઘણી વખત બળાત્કાર થયો હતો. આસારામની પત્ની લક્ષ્મીબેન, પુત્રી ભારતી અને ચાર અનુયાયીઓ પર ગુનામાં મદદ કરવાનો અને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો.કોર્ટે પુરાવાના અભાવે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.રાજ્યના કાયદા વિભાગે ૬ મે, ૨૦૨૩ના રોજ ફરિયાદ પક્ષને આ મામલે અપીલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
નિર્દોષ છમાંથી પાંચ સામે અપીલ દાખલ કરવામાં આવી છે. આસારામ (૮૧) ૨૦૧૩માં રાજસ્થાનમાં તેના આશ્રમમાં સગીર છોકરી પર બળાત્કાર કરવાના અન્ય એક કેસમાં જોધપુર જેલમાં બંધ છે. રાજ્ય સરકારે ગાંધીનગર કોર્ટના ર્નિણયને પડકારવાની જાહેરાત કરી દીધી હતી.ગુજરાત સરકારે મોટેરા બળાત્કાર કેસમાં ગાંધીનગર કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાનું નક્કી કર્યું હતું, જોકે, સરકાર તરફથી વિલંબ થયો હતો. ગુજરાત હાઈકોર્ટે સરકાર વતી ચુકાદાને પડકારવામાં ૨૯ દિવસના વિલંબને માફ કરીને અરજી સ્વીકારી હતી. આ કેસમાં અન્ય તમામને નિર્દોષ જાહેર કર્યા પછી આસારામે તેમની દોષિતતાને હાઈકોર્ટમાં પડકારી છે અને તેમની સજાને સ્થગિત કરવાની માંગ કરી છે. હાઈકોર્ટમાં આગામી સુનાવણી ૨ ઓગસ્ટે થશે.