કાળુપુર મંદિરના સ્વામી એક પરિણિતાને લઇને ફરાર થયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : અમદાવાદના કાલુપુર ખાતે આવેલું સ્વામિનારાયણ મંદિર ફરી એકવાર વિવાદોમાં આવ્યું છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સાધુ માધવપ્રિયદાસ પરિણીતાને લઇને ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલો પ્રકાશમાં આવતાં સાધુ માધવપ્રિયદાસનું નામ ત્યાગીમાંથી કમી કરવામાં આવ્યું છે તેવો કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. જેને પગલે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફરી એકવાર ભારે ચકચાર મચી ગઇ છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સ્વામિનારાયણ મંદિરના સાધુ માધવપ્રિયદાસ તા.૧ લી માર્ચના દિવસ પહેલાં એક પરિણીતાને લઇને ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલો સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતના સ્વામીને ધ્યાને આવતાં તેમને સંપ્રદાયમાંથી ત્યાગી તરીકે બરતરફ કર્યા છે.

આ મામલે એક સ્વામિનારાયણ મંદિર તરફથી પત્રિકા બહાર પાડવામાં આવી હતી. જેમાં મહંતને એક પ્રકારની ચેતવણી આપવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વધુ પત્રકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માધવપ્રિયદાસ સાથે સંસ્થાકીય કોઈ લેવડ દેવડ કરવી નહી તેવી પણ તાકીદ કરવામાં આવ્યું છે, જો કે, આ સ્વામી તથા મહિલા ક્યા સ્થળે છે તે હજી જાણી શકાયું નથી. આ પહેલાં માધવપ્રિયદાસનાં ગુરુ સિદ્ધસ્વર ઉપર પણ સિદ્ધપુર ગુરુકુળમાં બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આક્ષેપો થયા હતા. જેમાં સ્થાનિકોએ ઢોર માર મારી સાધુને પોલીસના હવાલે કર્યા હતા.

આ પહેલાં પણ ગત ઓક્ટોબરમાં સુરતમાં ડભોલી સ્વામિનારાયણ મંદિરના એક સાધુની કામલીલા સામે આવી હતી. જેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતાં પોલીસે સાધુની અટકાયત કરી છે. ૨૪ વર્ષના સાધુએ યુવતીનું બે વખત શારીરિક શોષણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. માતાની સારવાર માટે રૂપિયાની મદદ કરી આપવાના બહાને યુવતી પર બે વાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આરોપ હતો. પીડિતાએ પોલીસ મથકમાં સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ વધુ એક સ્વામિનારાયણ સાધુની કાળી કરતૂત સામે આવતાં સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભારે ચકચાર મચી ગઇ છે.

Share This Article