કોર્ટ સકુંલમાં બેઠકની અવ્યવસ્થાના મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળ ઘર્ષણ સર્જાતા લંબાય તેવી શક્યતા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રૂ. ૧૪૧ કરોડના ખર્ચે વેકસિન ઈન્સ્ટિટયુટના પરિસરમાં બંધાયેલા નવા કોર્ટ બિલ્ડીંગમાં વકીલોની બેઠક વ્યવસ્થાના મુદ્દે શરૂઆતથી જ અસંતોષ હતો. અને કોર્ટ કાર્યવાહીના પ્રથમ દિવસે જ સમજાવટના બદલે પોલીસ ફોર્સ મારફતે બળપ્રયોગ કરાવવામાં આવતા વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ હતુ.

પોલીસના લાઠીચાર્જના કારણે રોષે ભરાઈને ટોળાએ તોફાન મચાવ્યું હતુ. જેમાં વકીલો અને પોલીસ જવાનોને ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ વકીલોએ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. અને ગઈકાલે બપોરે પછી વકીલોએ આમરણાંત ઉપવાસ પણ શરૂ કર્યો છે. ગઇકાલે એક વકીલની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આજે બપોરે એક મહિલા એડવોકેટની તબિયત લથડતા બપોરે પોણા બે વાગ્યે ૧૦૪ એમ્બ્યુલન્સ મારફતે તેમને પણ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી અપાયા છે. આજે પણ વકીલોએ સૂત્રોચ્ચારો કરી પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો. પરંતુ આજે કોઈ વકીલો ડિસ્ટ્રીકટ જજને મળવા ગયા ન હતા કે સામે પક્ષે પણ કોઈ મચક આપવામાં આવી નથી. જેના પરિણામે નવું કોર્ટ સંકુલ આજે પણ ભેંકાર ભાસતુ હતુ. કોર્ટ સ્ટાફ પણ કેસો ગોઠવતા અને પેન્ડીંગ કામ કરતાં નજરે પડતા હતા.

પરંતુ ત્રણ દિવસથી નવી કોર્ટમાં કોઈ કાર્યવાહી થઈ નથી. દરમિયાન અન્ય વકીલ  મંડળોએ પણ વડોદરાના વકીલોની હડતાળને ટેકો આપ્યો છે. અને વકીલોની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ ના થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.

Share This Article