એક તરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. સૌ કોઇ હવે પરિણામની રાહ જોઇ રહ્યા છે. જો કે ચૂંટણીના વાતાવરણ વચ્ચે ઇન્કમટેક્સ વિભાગે સુરતમાં નામાંકિત હીરા વેપારી જૂથ ઉપર તવાઇ બોલાવી છે. સુરતમાં હીરા વિભાગની કેટલીક કંપનીઓમાં ઇન્કમ ટેક્સ વિભાગની રેડ સતત ચોથા દિવસે પણ યથાવત છે. સુરતમાં આવેલા મહિધરપુરા હીરા બજારમાં આવેલી ધાનેરા ડાયમન્ડ કંપનીમાં અલગ અલગ જગ્યાએ રેડ કરવામાં આવી હતી. ચાર દિવસથી સતત હીરાની પેઢીઓ ઉપરના દરોડા યથાવત્ રાખવામાં આવ્યા છે જેમાં ૨૪ સ્થળે તપાસ પૂરી થતાં ૨૦૦ કરોડના બિન હિસાબો દર્શાવતા ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. તો બેનામી વ્યવહારોનો આંક ૧૫૦૦ કરોડે પહોંચ્યો છે. ચૂંટણી બાદ સતત આવકવેરાની ઇન્વેસ્ટિગેશન વિંગના દરોડા હીરાની પેઢીઓ ઉપર પાડવામાં આવ્યા છે અને બેનામી વ્યવહારો પકડવામાં આવ્યા છે. આ દરોડાને કારણે હીરાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સતત ચોથા દિવસે આવકવેરા વિભાગની રેડ કુલ ૬ ડાયમંડ પેઢીઓમાં તપાસ યથાવત્ છે.
આવકવેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ૨૪ સ્થળે તપાસ પૂરી થતાં ૨૦૦ કરોડ રૂપિયાના જમીન ખરીદ–વેચાણના ડોક્યુમેન્ટ્સ પણ મળ્યા હતા. તેમજ શેર બજારમાં પણ મોટા પાયે રોકાણ કરવાની વિગતો સામે આવી હતી. આ દરોડામાં ૭ કરોડની જંગી રોકડ રકમ તથા જ્વેલરી પણ આવકવેરા વિભાગને મળી આવી છે. સુરતમાં હીરા વિભાગની કેટલીક કંપનીઓમાં ઇન્કમ ટેક્સ વિભાગે ૨ ડિસેમ્બરના રોજ રેડ પાડતા ચકચાર મચી ગઇ હતી. સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા હીરા બજારમાં આવેલી ધાનેરા ડાયમન્ડ કંપનીના અલગ અલગ યુનિટમાં રેડ કરવામાં આવી હતી તેમજ ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કંપનીના વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે જેના માટે અલગ અલગ ટીમ પણ બનાવાવમાં આવી છે. ડાયમન્ડ કંપનીની બોમ્બેમાં આવેલી ઓફિસમાં પણ તવાઈ બોલાવવામાં આવી હતી. દરોડાની કામગીરી થતા સુરત શહેરના ફાઇનાન્સર અને જમીનના વેપારીઓમાં તેમજ હીરાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. સુરત અને મુંબઇ સહિત કુલ ૩૫ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી.