અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૨૯ મેના દિવસે રમાનાર આઇપીએલ ૨૦૨૨ની ફાઇનલ મેચની તમામ ટિકિટો વેચાઇ ગઇ છે અને આ મેચમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ જાેવા મળશે. સાથે જ ગુજરાતની ટીમને ચિયર કરવા માટે ગુજરાતીઓમાં પણ ખાસો એવો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. અમદાવાદમાં આવતા જ હાર્દિક પંડ્યાએ પોતાના પુત્ર અગસ્ત્યા સાથે એક તસવીર શેર કરી હતી.
ત્યાં જ તેની પત્ની નતાશાએ પણ હાર્દિકની સાથેનો એક વીડિયો પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં અપલોડ કર્યો હતો. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને ૭ વિકેટે હરાવીને ફાઇનલની ટિકિટ મેળવી હતી. આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સની લીગ મેચ સફર અંગે જણાવીએ તો ટીમે અત્યાર સુધી ૧૪ મેચ રમી છે જેમાંથી ૧૦માં જીત મેળવી છે જ્યારે ૪ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
આઇપીએલ ૨૦૨૨ની ફાઇનલ મેચ ૨૯ મેના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ત્યારે આઇપીએલ ૨૦૨૨ની ક્વોલિફાયર-૧ જીતીને ગુજરાત ટાઈટન્સની ટીમે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. એટલે કે ક્વોલિફાયર-૨માં જે ટીમ જીતશે તે ગુજરાત ટાઇટન્સ સામે ૨૯ મેના દિવસે ટકરાશે. તેવામાં આજે હાર્દિક પંડ્યાની આગેવાનીવાળી ટીમ અમદાવાદની હોટેલ હયાતમાં આવી પહોંચી છે.
જ્યાં ટીમના દરેક ખેલાડી અને પરિવારના સભ્ય પર ફુલોનો વરસાદ કરી સ્વાગત કરાયું હતું. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળ ગુજરાત ટાઇટન્સે પોતાની પ્રથમ સિઝનમાં જ IPL ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.