અમદાવાદ : શહેરના પરિમલ ગાર્ડન નજીક આવેલી એપલ મલ્ટી સ્પેશિયાલિટી બાળકોની હોસ્પિટલના ચોથા માળે આજે ભીષણ આગ ફાટી નીકળતાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બાળકો, વાલીઓ સહિત ડોકટર-સ્ટાફ કર્મચારીઓમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગયા હતા. આગમાં ફસાયેલા બાળકોને જોઇ તેમના વાલીઓના શ્વાસ તો અધ્ધર થઇ ગયા હતા અને જીવ બચાવવા મરણિયા બની બધા હાંફળાફાંફળા દોડતા અને રોકકળ કરતાં બચાવો બચાવોની બૂમો પાડતા નજરે પડયા હતા. આગની ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી અને ભારે જહેમત અને અસરકારક કામગીરી કરી આગની જવાળાઓ વચ્ચે ફસાયેલા બાળકો અને તેમના વાલીઓને બચાવી લીધા હતા અને સહીસલામત સ્થળે ખસેડયા હતા.
જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, શહેરના પરિમલ ગાર્ડન નજીક આવેલી એપલ મલ્ટી સ્પેશિયાલિટી બાળકોની હોસ્પિટલના ચોથા માળે હોસ્પિટલની કેન્ટીનમાં ગેસ લીકેજના કારણે એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં પાંચથી વધુ ફાયર ફાઇટરો સાથે ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા અને તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. હોસ્પિટલની કેન્ટીનમાં ગૈસનો બાટલો લીક થતા આગ લાગી હોવાની વાત સામે આવી છે.
આગ લાગી તે સમયે હોસ્પિટલમાં ૧૫ બાળકો સારવાર હેઠળ હતા. તમામ બાળકો, તેમના વાલીઓ અને સ્ટાફ કર્મચારીઓને સહીસલામત બહાર કાઢી લેવાયા હતા. જયારે બાળકોને સારવાર માટે હોસ્પિટલની અન્ય બ્રાન્ચમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત કરી ગણતરીના કલાકોમાં સમગ્ર આગ કાબૂમાં લઇ લીધી હતી. ફાયરબ્રિગેડની તપાસમાં હોસ્પિટલમાં ફાયરસેફ્ટીના પૂરતી સુવિધા નહી હોવાનું સામે આવ્યું હતું. બીજીબાજુ, હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે આ કેન્ટીન ચાલતી હોવાનો કોમ્પલેક્સના ચેરમેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. પરિમલ ગાર્ડન પાસેની એપલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નિકળ્યા બાદ આસપાસના વિસ્તારોમાં ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. ફાયરબ્રિગેડે પણ ઉલ્લેખનીય કામગીરી અદા કરીને તમામ દર્દીઓને સફળતા પૂર્વક બહાર કાઢી લીધા હતા. અન્યત્ર હોસ્પિટલમાં પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.