સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂર્વે રાજ્ય સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સૌને એ વાત તો ખબર છે કે ભારતનો પ્રથમ રાષ્ટ્ર ધ્વજ મેડમ ભીખાઈજી કામાએ બનાવ્યો હતો. તેમણે જ વિદેશની ધરતી ઉપર પ્રથમ વખત એ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. પણ શું તમને એ ક્યારેય પ્રશ્ન થયો છે કે, આ નારીરત્નના વંશજાે ક્યા રહે છે ? જાે થયો હોય તો તેનો જવાબ છે કે, મેડમ ભીખાઇજી કામાના પરિવારના વંશજાે પૈકીનો એક પરિવાર વડોદરા જિલ્લામાં વસવાટ કરે છે. આમ તો ભીખાઇજી કામાને કોઇ સંતાનો નહોતા. પણ તેમના શ્વસુર પક્ષના વંશજાેના મૂળ વડોદરા સુધી આવ્યા છે.
ભારતના રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ સ્વતંત્રતા સંઘર્ષ સાથે ગાઢ રીતે જાેડાયેલો છે. પ્રથમ રાષ્ટ્રધ્વજ ૧૯૦૬ માં કોલકાતામાં લહેરાવવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૦૭ માં મેડમ ભીખાઇજી કામાએ જર્મનીના સ્ટુટગાર્ટમાં ધ્વજ લહેરાવ્યો. પિંગળી વેંકૈયાએ ૧૯૨૧માં ધ્વજની એકરૂપ રચના કરી હતી.
જુદા-જુદા સમયગાળામાં ધ્વજમાં ફેરફાર થયા. છેલ્લે ૨૨ જુલાઈ ૧૯૪૭ના રોજ બંધારણીય સભાએ હાલના ત્રિરંગાને ભારતીય રાષ્ટ્રીય ધ્વજ તરીકે માન્યતા આપી. કેસરી, સફેદ અને લીલા રંગના ત્રિરંગામાં મધ્યમાં અશોકચક્ર છે, જે ધર્મ અને ન્યાયનું પ્રતિક છે. રાષ્ટ્રધ્વજ ભારતના ગૌરવ અને એકતાનું પ્રતીક છે.
દેશની આઝાદી માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનારા મુંબઇના મેડમ ભીખાઈજી કામાના પિતા સોરાબજી પાટેલ શ્રીમંત હતા અને મુંબઇમાં રાજકીય અગ્રણી હતા. તેમના લગ્ન મુંબઇના વકીલ રુસ્તમજી કામા સાથે થયા હતા. આ મુંબઇના કામા પરિવારના મૂળ ભરૂચમાં હતા.
ભીખાઇજી કામાના શ્વસુર પક્ષ એવા કામા પરિવારના ઘણા સભ્યો ભરુચથી ગુજરાતમાં વિવિધ સ્થળે વસ્યા હતા. જેમાં મોટા ભાગના લાકડા, બાંધકામ, ઇજનેરી કૌશલ્ય સાથે સંકળાયેલા હતા.
આ કામા પરિવારમાં એક એવા દોરાબજી અરદેશજી કામા ! જેઓ ભરુચના કામા પરિવારના એક સભ્ય હતા. મેડમ ભીખાઈજી કામાના શ્વસુર પક્ષના બીજી કે ત્રીજી પેઢીના પરિવારમાંથી આ એક દોરાબજી કામા !
મહારાજા સયાજીરાવ ગાયકવાડે દોરાબજી અરદેશજી કામાને ડભોઈ તાલુકામાં હાલ જે બાણજ ગામ તરીકે ઓળખાય છે, ત્યાં ૪૫૦ વિઘા જમીન આપી, જેથી તેઓ વસવાટ કરી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે.
મહારાજા સયાજીરાવના આશ્રયથી દોરાબજી અરદેશજી કામા બાણજ ગામમાં સ્થાયી થયા. તેઓ ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. સ્પષ્ટ વક્તા, નેતૃત્વનો ગુણ અને બહોળા જ્ઞાનના કારણે તેઓ ૨૦ વર્ષ સુધી બાણજ ગામના સરપંચ પણ રહ્યા.
દોરાબજી અરદેશજી કામાના બીજા પત્ની કે જેઓ નોન પારસી હતા, તેમનાથી બે સંતાનો હતો. પારસી સમુદાયમાં આંતરધર્મીય લગ્ન નિષેધ હોય છે. પરંતુ તે સમયે પારસી આગેવાનોએ પોતાના અસ્તિત્વને જાળવી રાખવા માટે આ લગ્નને સ્વીકૃતિ આપી હતી.
ત્યારબાદ દોરાબજીના સંતાન જમશેદજીને પાંચ સંતાન હતા, જેમાં ત્રણ ભાઈઓ અને બે બહેન હતી, જે લગ્ન બાદ હાલ વિદેશમાં છે. જ્યારે ત્રણ ભાઈમાંથી બે ભાઈઓના અકાળે અવસાન થતા એક ભાઈ રહ્યા છે, જેનું નામ મનેશભાઈ છે. આ મનેશભાઈએ પણ અહીં રહીને નોન પારસી મહિલા સાથે પ્રેમ લગ્ન કર્યા. અને હવે તેમનો પુત્ર હોમીભાઈ તેમની સાથે રહે છે.
મનેશભાઈ તેમના પત્ની શંકુતલાબેન અને પુત્ર હોમીભાઈ સાથે એ જ બાણજ ગામમાં રહે છે, જે જમીન મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમના દાદા દોરાબજી કામાને સ્થાયી થવા આપી હતી. પેઢી દર પેઢી તેઓ તેમના અસ્તિત્વ અને પારસી રીત રિવાજાેનું વહન કરી રહ્યા છે. આ મનેશભાઇ અને હોમીભાઇ મેડમ કામાના શ્વસુર પરિવાર કામા પરિવારના વંશજાે છે, એમ મનેશભાઇ કામા કહે છે.
જાે કે, મનેશભાઇ તેમના દાદા અને રૂસ્તમજી કામા વચ્ચે શું સંબંધ હતો તે ચોક્કસ કહી શકાતા નથી. દોરાબજી કામાએ પોતાના ઉદાર સ્વભાવના કારણે તેમણે ગામમાં પ્રાથમિક શાળા બનાવવા માટે પોતાની થોડી જમીન પણ દાનમાં આપી હતી. ત્યારબાદ ટોચની મર્યાદાનો કાયદો, પેઢી દર પેઢી ગંભીર બિમારીઓ જેવી ઘટનાઓના કારણે તેઓની જમીનનો વિસ્તાર ઘટતો ગયો. આજે દોરાબજી કામાની ત્રીજી પેઢી હોમીભાઈ કામા અહીં રહે છે, તેમની પાસે હાલ બાવન (૫૨) વિઘા જમીન છે, જેને ખેતી માટે ભાડા પટ્ટે આપીને તેઓ જીવનનિર્વાહ કરી રહ્યા છે.
આ પારસી પરિવાર છેલ્લી ત્રણ પેઢીથી વડોદરાના ડભોઈ તાલુકાના બાણજ ગામે વસવાટ કરી રહ્યા છે. ત્રણ પેઢીથી ખેતી કરીને જીવનનિર્વાહ કરતો આ પારસી પરિવાર વિશેષતા તરફ ધ્યાન દોરે છે.