અમદાવાદ : પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ ઉંઝાના ધારાસભ્ય ડા. આશાબેન પટેલે કોંગ્રેસમાંથી આપેલા રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના ધારાસભ્યપદ પરથી રાજીનામું આપવા અંગેના શ્રીમતી આશાબેન પટેલના હિંમતભર્યા નિર્ણયને અમે આવકારીએ છીએ. નેતૃત્વવિહિન કોંગ્રેસે સાંઠગાંઠવાળી રાજનીતિમાં લોકોને લલચાવ્યા અને ફોસલાવ્યા છે. જ્ઞાતિજાતિના નામે ભલીભોળી પ્રજા વચ્ચે હંમેશા લડાઇઓ કરાવી છે. ડા. આશાબેન પટેલના નિર્ણયથી કોંગ્રેસની આ નકારાત્મક રાજનીતિ આજે ફરી ખુલ્લી પડી છે.
વાઘાણીએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસની નેતાગીરીના આંતરકલહ, ઝગડાઓ અને વર્ચસ્વની લડાઇ તેમજ આંતરિક જૂથવાદથી કંટાળીને ડા. આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ છે. પ્રજાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી કોંગ્રેસ પર હવે તેનાં જ કાર્યકરો અને ધારાસભ્યોને ભરોસો નથી, જે આશાબેનના પત્રની વિગતોમાં સ્પષ્ટ થઇ જાય છે. માત્ર આશાબેન જ નહીં પરંતુ કોંગ્રેસના અનેક ધારાસભ્યો કોંગ્રેસના જૂથવાદ અને પરિવારવાદથી કંટાળી ગયા છે, તેથી જ કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપના લાખો કાર્યકરો, આગેવાનો તથા ધારાસભ્યો ૩૬૫ દિવસ પ્રજાસેવામાં વ્યસ્ત હોય છે ત્યારે કોંગ્રેસના નેતાઓ આંતરિક લડાઇ-ઝગડાઓમાં જ વ્યસ્ત હોય છે. કોંગ્રેસની વિકાસ વિરોધી તથા ગુજરાત વિરોધી નીતિના કારણે તેને પ્રજાનું સમર્થન નથી તે ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં થયેલા ભાજપાના ભવ્ય વિજય સાથે જ સાબિત થઈ ચુક્યું છે.
વાઘાણીએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન મોદીએ ૧૦ ટકા સવર્ણ અનામત આપીને તમામ વર્ગો તથા સમાજોને ન્યાય આપવાના પ્રયત્નો કર્યા છે ત્યારે, કોંગ્રેસ જ્ઞાતિજાતિ અને ધર્મના નામે જનતાને લડાવી-ઝગડાવી તથા ગેરમાર્ગે દોરી રહી છે. રાહુલ ગાંધીના નિષ્ફળ નેતૃત્વમાં કોંગ્રેસમાં જૂથવાદ, કકળાટ અને આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોચી ગયો છે. કોંગ્રેસે પોતાને અરીસામાં જોઇ લેવુ જોઇએ. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે. અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ દ્વારા ગામ, ગરીબ, ખેડુત, દલિત, આદિવાસી, યુવા તેમજ મહિલા સહિત સમાજના તમામ જ્ઞાતિજાતિ સમુદાયોનો વિકાસ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે ત્યારે વિકાસલક્ષી-રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાવા માંગતા સૌનું સ્વાગત છે તેમ વાઘાણીએ જણાવ્યુ હતું.