અમદાવાદ : પાકિસ્તાન, અમેરિકા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ સહિતના દેશોમાંથી વિદેશી નાગરિકોને ઓછા ખર્ચે અસરકારક અને પરિણામલક્ષી મેડિકલ હેલ્થકેર અને સુવિધા અહીં પ્રાપ્ય બનવાના કારણે હવે ભારત પણ લોકપ્રિય મેડિકલ ટુરીઝમ ડેસ્ટીનેશન તરીકે ઉભરી આવ્યું છે. દિન પ્રતિદિન ભારતની વધતી જતી લોકપ્રિયતા અને મેડિકલ ટુરીઝમને લઇ કેન્દ્ર સરકાર અને રાજય સરકારની પ્રોત્સાહક નીતિઓને લઇ આગામી ૨૦૨૦ સુધીમાં મેડિકલ ટુરીઝમ ચાર બિલિયન અમેરિકી ડોલરથી વધીને આઠથી નવ બિલિયન ડોલર સુધી પહોંચવાની શકયતા છે.
આ સંજાગોમાં ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસીએશને પણ આગામી વાયબ્રન્ટ ગુજરાતમાં ગુજરાત સરકાર સાથે મેડિકલ ટુરીઝમને લઇ વિદેશી નાગરિકો અને પર્યટકોને વિશેષ પેકેજ અને ઓફરો આપવામાં આવશે એમ અત્રે ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસીએશનના પ્રમુખ બ્રીજેશ શાહ અને ઉપપ્રમુખ તેજસ મહેતાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૯માં ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસીએશન એક સકારાત્મક અભિગમ સાથે ભૂમિકા અદા કરવા માટે તત્પર છે. ખાસ કરીને વિદેશથી ભારતમાં ગુજરાત સહિતના વિવિધ મેડિકલ ટુરીઝમની સુવિધાવાળા રાજયોમાં સારવાર અર્થે આવતા નાગરિકોને હોટલ, ટ્રાવેલીંગથી માંડી અનેકવિધ સુવિધાઓ આપવાનું આયોજન હાથ ધરવામાં આવશે. આ માટે સરકારના પદાધિકારીઓ સાથે ચર્ચા કરી સમગ્ર રૂપરેખા નક્કી કરવામાં આવશે. એટલું જ નહી, દેશ-વિદેશમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જાવા આવનાર પર્યટકો અને પ્રવાસીઓ માટે પણ એસોસીએશન દ્વારા ખાસ પેકેજ અને રાહતો સાથે સેવા-સુવિધા પૂરી પાડવાનું આયોજન કરાયું છે.
આમ, આ વખતના વાયબ્રન્ટમાં ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસીએશન અનોખુ આકર્ષણ જમાવવા તૈયાર છે. ભારતમાં મેડિકલ ટુરીઝમના આંકડા વર્ણવતાં ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસીએશનના પ્રમુખ બ્રીજેશ શાહ અને ઉપપ્રમુખ તેજસ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, સને ૨૦૧૬માં ૧,૬૭૮ પાકિસ્તાની અને ૨૯૬ અમેરિકનો સહિત કુલ બે લાખથી વધુ વિદેશી નાગરિકો ભારતમાં મેડિકલ હેલ્થેકર માટે આવ્યા હતા. ૨૦૧૬માં ૫૪ દેશોના બે લાખથી વધુ મેડિકલ વીઝા ઇશ્યુ કરાયા હતા. અગાઉ વર્ષોના આંકડા જાઇએ તો, ૨૦૧૨માં ૧,૭૧,૦૨૧ વિદેશી દર્દીઓ, ૨૦૧૩માં ૨,૩૬,૮૯૮, ૨૦૧૪માં ૧,૮૪,૨૯૮, ૨૦૧૫માં ૧.૯૦ લાખ, ૨૦૧૬માં બે લાખથી વધુ, ૨૦૧૭ અને ૨૦૧૮માં પણ વિદેશી નાગરિકોનો મેડિકલ ટુરીઝમને લઇ ભારતમાં સારવાર માટે આવવાનો આંક જળવાયેલો રહ્યો છે, જેને જાતાં હવે ભારત મેડિકલ ટુરીઝમનું હબ બની રહ્યું છે. ખાસ કરીને ચેન્નાઇ, કોલકત્તા, મુંબઇ, બેંગ્લોર, હૈદ્રાબાદ, દિલ્હી અને અમદાવાદ સહિતના શહેરોમાં મેડિકલ ટુરીઝમ અને હેલ્થકેરની સુવિધા વધુ ને વધુ હાઇટેક, અસરકારક અને પરિણામલક્ષી બની રહી છે. આમ, ભારત હવે લોકપ્રિય મેડિકલ ટુરીઝમ ડેસ્ટીનેશન તરીકે ઉભરી રહ્યું છે. હાલ વિશ્વના ૧૬૦થી વધુ દેશોના નાગરિકોને ભારતની મુલાકાત અને મેડિકલ ટુરીઝમને લઇ ઇ-વિઝાની સુવિધા પ્રાપ્ય છે એમ જીટીએએના સેક્રેટરી તન્મય શેઠ, જાઇન્ટ સેક્રેટરી અમિત શાહ અને સંકેત શાહે ઉમેર્યું હતું.