ગુજરાતના ડેરી ઉદ્યોગનો વિકાસ દેશભરમાં ઉદાહરણીય છે. ખાસ કરીને બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં ડેરી સહકારી મંડળીઓ તેમની પ્રોસેસિંગ ક્ષમતા અને અદ્યતન સુવિધાઓના કારણે ગુજરાતના કુલ દૂધ ઉત્પાદનમાં સતત વધારો કરી રહ્યા છે. ડેરી ક્ષેત્રમાં આ નોંધનીય પરિવર્તનના કારણે ઉત્તર ગુજરાત ગ્રામીણ આજીવિકા અને વિકાસનું શક્તિશાળી માધ્યમ બન્યું છે.
બનાસ ડેરી (બનાસકાંઠા), દૂધસાગર ડેરી (મહેસાણા) અને સાબર ડેરી (સાબરકાંઠા) જેવી ડેરી સહકારી મંડળીઓ મિલ્ક પ્રોસેસિંગ, કોલ્ડ-ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વેલ્યુ-એડેડ ડેરી પ્રોડક્ટ્સની નિકાસમાં વૈશ્વિક સ્તરે અગ્રણી બની છે. ઉત્તર ગુજરાતની આ સહકારી મંડળીઓ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) હેઠળ કાર્ય કરે છે, જે પ્રખ્યાત બ્રાન્ડ ‘અમૂલ’ હેઠળ પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરે છે.
બનાસ ડેરી એશિયાની અગ્રણી ડેરી સહકારી મંડળી: ₹21,200 કરોડનું ટર્નઓવર
વર્ષ 1969માં પાલનપુર, બનાસકાંઠામાં સ્થપાયેલી બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી સહકારી મંડળીઓ પૈકી એક છે. નાણાકીય વર્ષ 2024-25માં તેનું ટર્નઓવર ₹21,200 કરોડ રૂપિયાથી પણ વધુ હતું. બનાસ ડેરી ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશમાં 20 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ધરાવે છે. બનાસ ડેરી દૈનિક 10 મિલિયન લિટર દૂધનું પ્રોસેસિંગ કરે છે.
બનાસ ડેરી સાથે 1600થી વધુ દૂધ મંડળીઓ અને 4 લાખ ખેડૂતો સંકળાયેલા છે, જે ગ્રામીણ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે ફક્ત પરંપરાગત ડેરી ઉત્પાદનો જ નહીં, પણ મધ અને ખાદ્ય તેલ પણ બનાવે છે.
બીજી તરફ સુઝુકી મોટર કોર્પોરેશન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) વચ્ચે બાયોગેસ પ્લાન્ટ માટે સફળ ભાગીદારી થઈ છે, તે ટકાઉપણું અને વૃદ્ધિને પ્રોત્સાહન આપશે.
દૂધસાગર ડેરી નવીનતા અને ગુણવત્તાનું શ્રેષ્ઠ ઉદાહરણ: ₹8,054 કરોડનું ટર્નઓવર
1960માં સ્થપાયેલી મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે દૂધસાગર ડેરીએ મહેસાણાને ડેરી ક્ષેત્રે નવીનતાનું કેન્દ્ર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. નાણાકીય વર્ષ 2024-25માં તેનું ટર્નઓવર લગભગ ₹ 8,054 કરોડ હતું. જે ડેરી એક સમયે 3,300 લિટર પ્રતિ દિવસનું દૂધ એકત્ર કરતી હતી, તે હવે 34.88 લાખ લિટરથી વધુ દૂધ એકત્રિત કરે છે. દૂધસાગર ડેરી તેના મજબૂત સહકારી નેટવર્કનો ઉપયોગ કરીને ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજારો માટે દૂધ અને વિવિધ પ્રકારના દૂધ ઉત્પાદનો બનાવે છે.
ઉત્તર ગુજરાતની ડેરી શક્તિનો આધારસ્તંભ છે સાબર ડેરી
સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે સાબર ડેરીની વાત કરીએ તો, તેની દૈનિક ક્ષમતા 33.53 લાખ લિટર છે. નાણાકીય વર્ષ 2023-24માં આશરે ₹8,939 કરોડના ટર્નઓવર સાથે, સાબર ડેરી ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદન માટે, ખાસ કરીને દૂધ, ઘી, માખણ અને ચીઝમાં પ્રખ્યાત બની છે. દૂધની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ડેરીએ પ્રોસેસિંગ સુવિધાઓ અને કોલ્ડ-ચેઇન લોજિસ્ટિક્સમાં સતત રોકાણ કર્યું છે.
આ 3 સહકારી મંડળીઓ એ દર્શાવે છે કે, ઉત્તર ગુજરાતના ડેરી મૉડલે ખેડૂતોને બજારો સાથે જોડવામાં મોટો ફાળો આપ્યો છે.
• ખેડૂતોનું સશક્તિકરણ: વાજબી ભાવ અને આખું વર્ષ દૂધ ખરીદીને કારણે ખેડૂતોની આજીવિકા સુનિશ્ચિત કરે છે.
• માળખાગત સુવિધાઓનું વિસ્તરણ: કોલ્ડ ચેઇન, બાયોગેસ અને માટી પરીક્ષણ પ્રયોગશાળાઓમાં રોકાણ વૈશ્વિક સ્તરની પ્રણાલીઓ સાથે સુસંગત છે.
• નિકાસની ક્ષમતા: ભારતીય ડેરી ઉત્પાદનોની વધતી જતી વૈશ્વિક માંગ સાથે, આ સહકારી સંસ્થાઓ નિકાસની તકો વધારે છે.
બનાસ, દૂધસાગર અને સાબર ડેરીની સફળતા ઉત્તર ગુજરાતને વૈશ્વિક ડેરી ક્ષેત્રે નિકાસનું કેન્દ્ર બનવાનું લક્ષ્ય રાખે છે. ડેરી ક્ષેત્રે ઉત્તર ગુજરાતે જે સફળતા દર્શાવી છે તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC)માં પણ પ્રદર્શિત થશે.
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		