અમદાવાદ: સારી ત્વચાનું રહસ્ય એની કેવી રીતે સારસંભાળ રાખવામાં આવે છે એમાં છુપાયેલું છે. આપણે બધા એક વાત સાથે સંમત થઇશું કે ઋતુમાં પરિવર્તન, શરીરની અંદર અંતઃસ્ત્રાવમાં ફેરફારો, રોગો વગેરે ત્વચા પર ઘણી અસર કરે છે. ઉદાહરણ તરીકે, શિયાળામાં ઠંડક અને ઠંડો પવન ત્વચામાંથી ભેજ શોષી લે છે, જેથી શિયાળામાં ત્વચા ફાટી જાય છે અને સતત એનાં પર ખંજવાળ આવે છે. પરિણામે ત્વચા શુષ્ક બની જાય છે અથવા ઝેરોસિસ થઈ જાય છે. અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદનાં ડર્મેટોલોજીસ્ટ, ડો.અંશુલ વર્મને જણાવ્યું હતું કે, શુષ્ક ત્વચા એટલે તૈલી પદાર્થો ઉત્પન્ન કરતી ગ્રંથિઓ ઓછી સક્રિય થઈ જાય છે.
એમાં તેલ અને ભેજ બંનેનો અભાવ હોય છે. શુષ્ક ત્વચા સામાન્ય છે, ખાસ કરીને વયોવૃદ્ધ લોકોમાં આ સામાન્ય રીતે નાની અને ટેમ્પરરી તકલીફ છે પરંતુ તે બેચેની ઊભી કરી શકે છે.વૃદ્ધાવસ્થામાં વ્યક્તિની પરસેવો ઉત્પન્ન કરતી ગ્રંથિઓ અને ચરબી ઉત્પન્ન કરતી ગ્રંથિઓ ઓછી સક્રિય થઈ જાય છે, જે માટે મુખ્યત્વે અંતઃસ્ત્રાવોમાં ફેરફારો જવાબદાર હોય છે. આ કારણે ૬૫ વર્ષ અને વધારે વય ધરાવતી વ્યક્તિઓ માટે ઝેરોસિસ સામાન્ય સમસ્યા છે. ડાયાબીટિસ પણ એક જોખમી પરિબળ છે. ડાયાબીટિસથી પીડિત વયોવૃદ્ધ વ્યક્તિઓમાં ઝેરોસિસ વિકસવાની વધારે શક્યતા છે. ડો.વર્મને વધુમાં જણાવ્યુ કે, તમારે ત્વચાને સુંવાળી રાખવા માટે એની અંદર ભેજની જરૂર છે. જેમ જેમ આપણી ઉંમર વધે છે, તેમ તેમ ત્વચાની અંદર ભેજ જાળવી રાખવો વધારે મુશ્કેલ છે.
આ પ્રકારની ત્વચામાં વહેલાસર કરચલીઓ પડી જાય છે તથા ત્વચાની સંવેદનશીલતા વધી જાય છે જેના કારણે ત્વચા ખરબચડી થવી, ત્વચા પર લાલ ડાઘ, કરચલીઓ, ખંજવાળ, બળતરા થવી, ત્વચા ચુસ્ત થવી, ચામડીમા ઝણઝણાટ અને શુષ્કતા જેવા સામાન્ય ચિહ્નો જોવા મળે છે. સામાન્ય રીતે આ ઘર્ષણ ધરાવતી જગ્યાઓમાં દેખાય છે, પણ જો એની ઉપેક્ષા કરવામાં આવે, તો સંપૂર્ણ શરીર પર આ ચિહ્નો દેખાય છે. ઝેરોસિસ માટે એકથી વધારે પરિબળો જવાબદાર છે. એમાં ત્વચાને વધારે પડતી ઘસવી, વધારે ગરમ પાણી સાથે વારંવાર સ્નાન કરવું, સૂકાં રૂમાલથી વારંવાર ખૂબ જ શરીર લૂંછવું, ઠંડા, શુષ્ક શિયાળા અથવા ઓછી આંદ્રતા ધરાવતાં વિસ્તારમાં વસવાટ, ઘર કે કાર્યસ્થળ પર એર-કન્ડિશનિંગ કે સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ સાથે હીટિંગ, ડિહાઇડ્રેશન અને ત્વચા પર વધારે સમય સૂર્યપ્રકાશ પડવો વગેરે પરિબળો સામેલ છે. ડો.અંશુલ વર્મને ઉમેર્યું કે, ત્વચાને શુષ્ક થતી હંમેશા અટકાવી શકતાં નથી, ખાસ કરીને ઉંમર વધવાની સાથે. જોકે તમે તમારી રોજિંદી કામગીરીમાં સુધારો કરીને ઝેરોસિસનાં ચિહ્નોને ઘટાડી શકો છે અથવા એને ટાળવામાં મદદ મળી શકે છે. જા ત્વચામાંથી લોહી કે પરુ નીકળતુ હોય કે તમારી ત્વચાનાં મોટાં ભાગનાં વિસ્તારો પર પોપડી જામી જતી હોય અથવા તમારી ત્વચા પર રિંગ આકારની ફોલ્લીઓ થતી હોય,તો ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી અનિવાર્ય છે.