રાજકોટમાં હત્યા કરાયેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Rudra
By Rudra 7 Min Read

રાજકોટ: 32 વર્ષીય સ્નેહા આસોડિયા નામની પરણીતાની વેલનાથપરા વિસ્તારમાં અવાવરું જગ્યાએથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. હત્યા કરાયેલી લાશ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હજી. જેમાં એક ચોંકવાનારો ખુલાસો થયો છે.

15 નવેમ્બર 2025ના રોજ રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. જે હત્યાના પડઘમ હજુ શાંત થયા નથી કે, ત્યાં 22 તારીખના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્નેહા આસોડિયાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મહિલાની લાશ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસના ચક્રગતિમાન કર્યા હતા. જો કે આ મહિલાની લાશની હકીકત સામે આવતા ખુદ પોલીસ ચોંકી ગઈ હતી.

રાજકોટ શહેર પોલીસને 23 નવેમ્બર 2025એ જાણકારી મળી હતી કે, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવતા વેલનાથપરા વિસ્તારમાં અવાવરું જગ્યાએથી એક અજાણી મહિલાની લાશ મળી આવી છે. તેમજ અજાણી મહિલાના શરીર પર કોઈ દાગીના જોવા નથી મળી રહ્યા. જે ઘટનાની જાણ થતા તાત્કાલિક અસરથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ ખાતે દોડી ગયા હતા. સૌપ્રથમ પોલીસ દ્વારા અજાણી મહિલા કોણ છે તે બાબતની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત પોલીસને માહિતી મળી હતી કે, ગત રાત્રિથી આસોડિયા પરિવાર પોતાની પુત્રવધૂને શોધી રહ્યો છે.

જેથી સ્નેહા આસોડિયાના પતિ હિતેશ આસોડિયાને સ્થળ પર બોલાવવામાં આવ્યો હતો. સ્થળ પર રહેલી મહિલાની લાશ પોતાની પત્ની સ્નેહાની હોવાનું હિતેશે ઓળખી બતાવ્યું હતું. ત્યારબાદ પોલીસે સ્નેહાની હત્યા કોણે અને શા માટે કરી હશે તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી હતી. તો સાથે જ સ્નેહા પોતાના ઘરેથી દોઢથી બે કિલોમીટર દૂર કઈ રીતે પહોંચી હશે તે સહિતની બાબતો અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. તેમજ બનાવ સંદર્ભે પોલીસ દ્વારા એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી હતી.

બનાવ સંદર્ભે પોલીસ દ્વારા મહિલાના ઘરની આસપાસના તેમજ બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ એનાલિસિસ દરમિયાન મહિલા રાત્રિના આઠ વાગ્યા આસપાસ પોતાના ઘરની બહાર નીકળી હોવાનું પણ સામે આવ્યું હતું. તો બીજી તરફ મહિલાના પતિએ પોલીસ તેમજ પરિવારજનોને એક કહાણી જણાવી હતી. જે અંતર્ગત પોતાની પત્નીએ પોતાને ફોન કરીને હું પાણીપુરી ખાવા બહાર જઈ રહી છું. તેમજ મને ચોકમાંથી ઘરે પરત લઈ જજો તેવું જણાવ્યું હતું. ત્યારે પોલીસે હિતેશ આસોડિયા દ્વારા જણાવવામાં આવેલી કહાણીને વેરીફાઈ કરવામાં આવી રહી હતી. જોકે પોલીસને હાથ લાગેલા ટેકનિકલ પુરાવા તેમજ હિતેશ આસોડિયાની કહાણી વચ્ચે તફાવત હોવાનું જણાઈ આવ્યું હતું. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને હ્યુમન ઈન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ હિતેશે કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવતા તે પોપટની જેમ બોલવા લાગ્યો હતો. તેમજ હત્યાની કબુલાત પણ આપી હતી.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હિતેશ આસોડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેના અને સ્નેહાના લગ્ન ત્રણ વર્ષ પૂર્વે થયા હતા. લગ્નજીવન થકી હાલ તેમને બે વર્ષનો દીકરો પણ છે. જેનો જન્મદિવસ ગત ઓક્ટોબર મહિનાની 25મી તારીખના રોજ હતો. લગ્ન થયા બાદ સ્નેહા મારા માતા-પિતા સાથે થોડા દિવસ સાથે રહી હતી. પરંતુ બાદમાં નાની નાની બાબતોમાં ઝઘડા કરવાનું શરૂ કર્યું હતું. તેમજ સ્નેહાએ સાસરીયા સાથે નહીં પરંતુ તેમનાથી અલગ રહેવાનું નક્કી કર્યું હતું. જેથી અમે બંને મારા માતા-પિતાથી અલગ દીકરા સાથે રહેતા હતા. પરંતુ અલગ રહ્યા બાદ પણ સ્નેહા મારી સાથે નાની નાની બાબતોમાં ઝઘડો કરવાનું શરૂ રાખ્યું હતું. તેમજ સ્નેહા ડિમાન્ડિંગ પણ હતી. તેમજ જ્યારે હું કારખાને જતો હતો ત્યારે વારંવાર તે ફોન કરતી હતી. હું ક્યાં છું? શું કરી રહ્યો છું? તે બાબતે સતત પૂછ્યા કરતી હતી. તેમજ વીડિયો કોલ કરીને હું કઈ જગ્યાએ છું તે બાબતના પ્રુફ પણ માંગતી હતી. તેમજ બે વર્ષના દીકરાને સાચવવા પણ તે તૈયાર ન હતી. સવારે હું જ્યારે કારખાને જતો ત્યારે મારા દીકરાને મારા મમ્મી-પપ્પા પાસે મૂકીને જતો હતો. તેમજ કારખાનેથી પરત આવતો હતો ત્યારે દીકરાને દાદા-દાદીના ઘરેથી અમારે ત્યાં પરત લાવતો હતો. મોટાભાગે હું જ્યારે કારખાને જતો હોઉં ત્યારે મારી પત્ની સૂતી રહેતી હતી. તેમજ જમવાનું પણ મને મારા માતા-પિતાના ઘરે જ નસીબ થતું હતું.

કઈ રીતે કરાઈ હત્યા?

શનિવારના રોજ સ્નેહા સવારથી મને બહાર જમવા લઈ જજો તેવું કહેતી હતી. પરંતુ શનિવારના રોજ કારખાને કામ હોવાથી હું ઘરે વહેલો નહોતો આવી શક્યો. જેથી તે વારંવાર મને ફોન કરી રહી હતી. તેમજ મને મારા માતા-પિતા વિશે તેમજ મારી બહેન વિશે ન કહેવાના શબ્દો પણ સ્નેહાએ કહ્યા હતા. જેથી હું ગુસ્સામાં આવી ગયો હતો. તેમજ કારખાનેથી મેં તેને ફોન કરીને ઘરની નજીક આવવા જણાવ્યું હતું. તો સાથે જ કહ્યું હતું કે, હું તને બહાર જમવા લઈ જઉં છું. તેમજ આપણે એક વિધિ કરવા માટે પણ જવાનું છે. તો તું તારા સોનાના દાગીના ઘરે જ મૂકીને આવજે. તેમજ કારખાનેથી હું લોખંડનો રોડ પણ લઈ ગયો હતો. ઘરની નજીક સ્નેહાને મેં ટુ-વ્હીલર પાછળ બેસાડી હતી. ત્યારબાદ અવાવરું જગ્યાએ લઈ જઈ મેં બાથરૂમ જવાના બહાને ટુ-વ્હીલર ઊભું રાખ્યું હતું. તેમજ સ્નેહાને ખબર ન પડે તેમ તેના માથાના પાછળના ભાગે એક બાદ એક લોખંડના રોડ વડે તેની નિર્મમ હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ હું મારા દીકરાને લેવા માટે મારા માતા-પિતાના ઘરે જતો રહ્યો હતો. તેમજ ત્યાંથી હું અમારા ઘરે પરત ફર્યો હતો. ત્યારબાદ સ્નેહા ઘરે નથી પહોંચી તે ક્યાંક જતી રહી છે. તે બાબતની જાણ મેં સ્નેહાના પરિવારજનોને સ્નેહાના મોબાઈલ ફોનમાંથી કરી હતી.

ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં હિતેશ આસોડિયાના કપડા પર તેમજ તેના ટુ-વ્હીલર ઉપર સ્નેહાના લોહીના નમૂના પણ મળી આવ્યા છે. પોતાની પત્નીની હત્યા કર્યા બાદ હિતેશને જાણે કોઈ અફસોસ ન હોવાનું સામે આવ્યું છે. તેમજ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોલીસને હિતેશે જણાવ્યું હતું કે, હવે હું મુક્ત થયો હોઉં તેવું મને લાગી રહ્યું છે. અત્યાર સુધી અમારી પત્નીની કેદમાં હતો તેવું મને લાગી રહ્યું હતું. ભલે હવે હું જેલમાં બંધ હોઈશ પરંતુ પત્નીની કેદથી આઝાદ હોઈશ. સ્નેહાએ 10 વર્ષ પૂર્વે પ્રથમ લગ્ન કર્યા હતા. પરંતુ પતિ સાથે મનમેળ ન થતા માત્ર એક જ વર્ષમાં તેના છૂટાછેડા થઈ ગયા હતા. તેમજ ત્રણ વર્ષ પૂર્વે તેણે હિતેશ સાથે બીજું લગ્ન જીવન શરૂ કર્યું હતું. તેમજ હિતેશના પણ અગાઉ છૂટાછેડા થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. આમ ઘરકંકાસમાં બે વર્ષનો પુત્રએ માતા-પિતાની છત્રછાયા વગરનો થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

Share This Article