અમદાવાદ : ભાજપ મહિલા રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત થઇ રહી છે. આ અધિવેશનના સમાપન સત્રને વડાપ્રધાનનરેન્દ્ર મોદી પણ સંબોધન કરશે. દાદા ભગવાન હોલ ત્રિમંદિર સંકુલ અડાલજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે અને ભાજપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના હસ્તે પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરાશે. ઉદ્ઘાટન સત્ર બાદ બીજા સત્રમાં લોકસભા ચૂંટણી બાબતે વિશેષ માર્ગદર્શન રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ દ્વારા આપવામાં આવશે. સત્રમાં મોદીના બાળપણના જીવન પર આધારિત ચલો જીતે હે ફિલ્મ દર્શાવવામાં આવશે. બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન ખાસ ઉપસ્થિત રહેશે અને મહિલા પ્રતિનિધિઓને માર્ગદર્શન આપશે.
શરૂ થતા મહિલા મોરચાના અધિવેશનમાં ભાજપની મહિલા નેતાઓ, પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીની સભ્ય બહેનો, મહિલા ધારાસભ્યો, મહિલા સાંસદ, મહિલા મેયર સહિતની હજારો કાર્યકર બહેનો હાજર રહેશે. મહિલાઓના આ રાષ્ટ્રીય અધિવેશનમાં મહિલા કેન્દ્રીય મત્રીઓ પણ હાજરી આપે તેવી શકયતા છે. આ સિવાય કેન્દ્રીય નેતાઓ અને મંત્રીઓની મુલાકાત લેવાય તેવી પણ સંભાવના છે.
ભાજપ મહિલા મોરચાના આ રાષ્ટ્રીય અધિવેશનમાં પક્ષના સંગઠનના વિષય, નવા ભારતના નિર્માણમાં મહિલાઓની ભૂમિકા, આગામી લોકસભા ચૂંટણીમાં મહિલાઓની ભૂમિકા કેન્દ્રસ્થાને, ચૂંટણીલક્ષી તૈયારીઓ અને આયોજન સહિતના વિષયોને લઇ વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. વડાપ્રધાન મોદી ભાજપની મહિલાઓ-બહેનોને બહુ ઉપયોગી માર્ગદર્શન આ રાષ્ટ્રીય અધિવેશનમાં આપવા ખાસ હાજરી આપશે તે સૌથી નોંધનીય બાબત છે. મહિલા અધિવેશનમાં ૨૫ હજારથી વધુ મહિલાઓ ભાગ લે તેવી શક્યતા છે.