આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ: શિક્ષણનું એક એવું પ્રાંગણ કે જ્યાં વિદ્યાર્થીઓની સવાર અને સાંજ આકાશમાં લહેરાતા પક્ષીઓની જેમ ક્યાં વીતી જાય છે તે ખબર પડતી નથી. હાલમાં આ વર્ષે આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલ, ઓગણજ, અમદાવાદ ખાતે શાળાનો વાર્ષિકોત્સવ (એન્યુઅલ ફંક્શન) ઉજવવામાં આવ્યો અને દરવર્ષની જેમ શાળાએ આ સમયે પણ નાવીન્યીકરણમાં પાછી પાની રાખેલ નથી. આ વર્ષના વાર્ષિકોત્સવ (એન્યુઅલ ફંકશન)નું સંચાલન શાળાના વિદ્યાર્થીઓએ જાતે જ કર્યું અને સંપુર્ણ જવાબદારી સાથે એન્યુઅલ ફંકશનનો કાર્યક્રમ પાર પાડયો. ધોરણ-૧ થી ૯ના વિદ્યાર્થીઓએ અલગ અલગ જવાબદારીઓ ઉપાડી જેમાં, સફાઈ થી લઈ પાર્કિંગ તથા આમંત્રણ થી લઈ ભોજન સુધીની વ્યવસ્થા તથા ભોજનના મેનુ નક્કી કરવાથી લઈ તેને પીરસવા સુધીની વ્યવસ્થાઓ વિદ્યાર્થીઓએ કરી. વિદ્યાર્થીઓએ અલગ અલગ કમીટી રચી અને આઉટ સોસીંગની એજન્સીઓને મેનેજ કરી તેની પાસે કામ કરાવ્યું જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ નવો અનુભવ બની રહ્યો, જેમાં વિદ્યાર્થીઓએ પોતે જ સાઉન્ડ, કેટરર્સ, લાઈટીંગ, સ્કિયોરીટી અને આવનાર વાલીઓ અને મહેમાનોનું પાર્કીંગ થી લઈને તેમની બેઠક વ્યવસ્થા તથા પબ્લિક મેનેજમેન્ટની તમામ જવાબદારીઓ ઉપાડી તથા પાર પાડી.

alpha school 1 1

વિદ્યાર્થીઓએ પ્રસ્તુત કરેલ પર્ફોમન્સમાં મહાભારત સહિતના આધ્યાત્મિક પરફોર્મન્સ, કુટુંબમાં ચાલતી સમસ્યાઓનો નિકાલ જેવા મુદ્દાઓ પર સંવાદ જેવા સામાજિક પરફોર્મન્સ, પ્રિસ્કુલના નાના બાળકો દ્વારા સાંસ્કૃતિક અને પરંપરાગત નૃત્ય, ચંદ્ર નમસ્કાર, સૂર્ય નમસ્કાર સહિતના વિવિધ યોગાસનો, તથા સંગીત પ્રદર્શનથી દર્શકો મંત્રમુગ્ધ થયા. એન્યુઅલ ફંકશન તથા વિજ્ઞાનના પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ શિક્ષકોનું માર્ગદર્શન લીધા વગર સ્વહસ્તે બનાવેલ ચાર્ટ, મોડેલ જેવા કે, પાણીનું શુદ્ધિકરણ, ચંદ્રની કળાઓ, સ્વાસ્થ્ય અને પર્યાવરણને લગતા નવીન વર્કીંગ મોડલ રજૂ કર્યા અને સાયન્સ ડે નિમિતે બનાવવામાં આવેલ વિવિધ સાયન્ટીફીક મોડેલ્સનુ પ્રેઝન્ટેશન પણ આપ્યું.

alpha school 2

વિદ્યાર્થીઓએ વર્ષ દરમ્યાન શાળામાં કરાવેલ વિવિધ પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન પણ પેરેન્ટ્સ તથા આમંત્રિત મહેમાનોને આપ્યું જેમાં, વર્ષ દરમ્યાન કરાવેલ ફિલ્ડ ટ્રિપથી લઈ પ્રેક્ટિકલ બેઝ લર્નિંગ માટે શાળાએ કરેલ પહેલ તથા તેના દ્વારા વિદ્યાર્થીઓએ મેળવેલ શિક્ષણ અને સમજનો સમન્વય જોવા મળ્યો. વિદ્યાર્થીઓએ સંપૂર્ણ કાર્યક્રમ પાછળ કરેલ એક મહિનાની મહેનત એન્યુઅલ ફંકશનના અદ્વિતીય આયોજનમાં સફળ તથા સ્પષ્ટ રીતે દેખી શકાતી હતી. આ સંચાલન દરમ્યાન બાળકોમાં રહેલી અદ્ભુત મેનેજમેન્ટ સ્કિલ અને ટીમવર્કનો શાળા પરીવારને તથા વાલીમિત્રોને બખૂબી પરિચય થયો. વાલી મિત્રો દ્વારા પણ બાળકોને સંલગ્ન આ પ્રવૃત્તિ નિમિતે અલગ જ પ્રતિભાવ સાંપડયો અને વાલી મિત્રોએ શાળા દ્વારા કરવામાં આવેલા આ નવીન પ્રયાસની પ્રશંસા કરી અને વિશ્વાસ પ્રગટ કર્યો કે આ બાળકો પરિવાર અને સમાજમાં મેનેજમેન્ટ કૌશલ્યનું સારી રીતે ઉપયોગ કરી આગવી પ્રતિભા મેળવશે.
એન્યુઅલ ફંકશન જેવા કાર્યક્રમો તો દરેક શાળા કક્ષાએ વર્ષોવર્ષ થતાં જ રહેતા હોય છે પણ આવા કાર્યક્રમોનું સંચાલન તથા તેમાં કરવામાં આવતા પરફોર્મન્સની જવાબદારી સંપૂર્ણપણે વિદ્યાર્થીઓ દ્વારા થતી હોય તેવું ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે જે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની આગવી ઓળખાણ સમાન છે. પ્રેક્ટિકલ બેઝ શિક્ષણ આપવાના સંસ્થાના અનેરા અભિગમને સમાજે બિરદાવો રહ્યો.

Share This Article