ગુજરાતમાં ઓલિમ્પિક 2036ના ધ્યેયને કેન્દ્રમાં રાખીને દેશભરના યુવા ખેલાડીઓનો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉત્સાહને બમણો કરતી રમત ગમત સ્પર્ધા નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટ (NIDJAM)નો ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતેથી દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્પર્ધા 16 ફેબ્રુઆરીથી શરુ થઈ છે ત્યારે ત્રણ દિવસ દરમિયાન ચાલનાર સ્પોર્ટ્સ ઈવેન્ટમાં 31 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના 616 જિલ્લાઓમાંથી 5,500થી વધુ એથ્લેટિક્સે ભાગ લીધો છે. જેમાં 3,365 બોયઝ સ્પર્ધકો જ્યારે 2,193 ગર્લ્સ સ્પર્ધકોએ ભાગ લીધો છે. આયોજીત સ્પર્ધામાં 1105 કોચ પૈકી 835 પુરૂષ કોચ જ્યારે 270 મહિલા કોચ પણ ખેલાડીઓને સંપુર્ણ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. આ સંપૂર્ણ કાર્યક્રમની આગેવાની ગુજરાત સરકાર, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત,એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા, ગુજરાત યુનિવર્સિટીઅને રૂરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન સાથે મળીને કરી રહ્યું છે.
300 એકરમાં ફેલાયેલા ગુજરાત યુનિવર્સિટીના અત્યાધુનિક સુવિધા સભર ગ્રાઉન્ડના સિન્થેટિક ટ્રેક અને વિશાળ વોર્મ-અપ એરિયામાં પ્રથમ દિવસે જ ખેલાડીઓનો ઉત્સાહ ભરપૂર જોવા મળ્યો હતો. ખાસ કરીને આ ઉત્સાહને વેગ આપવા માટે NIDJAMમાં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રમત-ગમત રાજ્યમંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી, AFI ના પ્રેસિડેન્ટ આદિલે સુમેરિવાલા, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના અગ્ર સચિવ(ઈન્ચાર્જ) અશ્વિની કુમાર, સ્પોર્ટ્સ ઓથોરટી ઑફ ગુજરાતના ડાયરેકટર જનરલ આર. એસ. નિનામા, સ્પોર્ટસ ઓથોરટી ઑફ ગુજરાતના સેક્રેટરી આઇ.આર. વાળા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ઓએસડી સ્પોર્ટસ ઓથોરિટી ગુજરાત અર્જુનસિંહ રાણા, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નિરજા ગુપ્તા, ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. ઇવેન્ટના ઉદઘાટન દરમિયાન મ્યુઝિક અને ડાન્સના કાર્યક્રમનું આયોજન યુવાનો અને બાળકો દ્વારા કરાયું હતું. આ સાથે NIDJAN દ્વારા સ્પોર્ટ્સને લગતી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.
આ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, લોકલાડીલા નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ દેશના સમગ્ર યુવાનોના વિકાસ માટે કામ કર્યું છે. તેમનું ધ્યેય રમત ગમત ક્ષેત્રને ખૂબ આગળ લઈ જવાનું હતું જે સાકાર થયું છે. આ ત્રણ દિવસની સ્પોર્ટ્સની સ્પર્ધામાં આવેલા તમામ ખેલાડીઓનો હું શ્રી મહાત્મા ગાંધી, શ્રી સરદાર પટેલ અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્ર મોદીજીની ભૂમી પર સ્વાગત કરું છું. ગુજરાતમાં આ આયોજન થયું છે જે ગર્વની વાત છે. વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ખેલ ક્ષેત્રે સુવિધાઓ આપવામાં આવી રહી છે. છેલ્લાં 10 વર્ષમાં ઘણી સફળતાઓ પણ આપણને મળી છે. ઇન્ટરનેશનલ લેવલે મેડલો પણ વધુ મળ્યા છે. પીએમ એ ખેલ મહાકુંભ બાદ નેશન લેવલ પર ખેલો ઇન્ડિયાની શરૂઆત કરી હતી જેમાં પણ સફળતા મળી. ગુજરાત આગામી સમય માટે ઓલિમ્પિકની પણ તૈયારીઓ કરી રહ્યું છે. આ સાથે બજેટમાં પણ વધારો ઉત્તરોઉત્તર કર્યો છે. ખેલના મેદાનમાં હાર જીત થતી હોય છે પરંતુ દેશની આન, બાન, શાન માટે જ આપણો પ્રયાસ હોવો જોઈએ. જે વિકસિત ભારત માટે મદદગાર સાબિત થશે. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, હું અહીં આવેલા તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું.
વધુમાં વાત કરતા રમત-ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, કશ્મીરથી કન્યાકુમારીથી આવેલા બધા જ યુવા રમતવીરોનું સ્વાગત કરું છું. રમત ગમત મંત્રીએ આર યુ રેડી કહેતાની સાથે જ ઉત્સાહનો માહોલ ખેલાડીઓની ખુશીઓની ગૂંજોથી સાંભળવા મળ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, આજે દેશભરમાંથી એકત્ર થયેલા ખેલાડીઓની ઉર્જા રમતની દુનિયામાં નવી ઉંચાઈઓ લાવશે. હું બધા એથલીટ અને ખેલ પ્રેમીઓને શુભેચ્છા આપું છું જેઓ એક ભારત શ્રેષ્ઠ ભારતને આત્મસ્કાર કરી રહ્યા છે. ગુજરાતના ખેલ વિભાગ, રમતના બધા ફેડરેશન તમામમાં મુખ્યમંત્રીશ્રીનો જે સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે તેના લીધે નેશનલ લેવલે ગુજરાતને મોટી સફળતા મળી રહી છે. ગુજરાતે ગ્રાસરુટ લેવલે શરૂઆત કરી છે જેમાં આ મોટી તક મળી છે. ગુજરાતના તમામ વોલેંટીયર્સ અને આ કાર્યક્રમને સફળ બનાવતા વિભાગ તેમજ તમામનો દિલથી આભાર માનું છું.
આપણે બધા રમત-ગમત ક્ષેત્રે પણ ભારતને શીર્ષ દેશોમાં વિશ્વ લેવલે જોવા માગીએ છીએ. ખેલાડીઓનો અનુભવ વધે ગ્રાઉન્ડ લેવલે ભાગ લઈ શકે અને ગ્રાઉન્ડથી નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે તક મળે તે જરૂરી છે. આ પહેલા ગુજરાતને ઓછા સમયમાં નેશનલ ગેમ આયોજન કરવાનો દરજ્જો મળ્યો છે. 100 દિવસમાં સૌથી મોટી નેશનલ ગેમનું આયોજન કરવાની તક પ્રાપ્ત થઈ છે. તેમ વધુમાં વધુ યુવાનોને તક મળે તે માટે NIDJM નું પણ આયોજન કરાયું છે.
PM દ્વારા ગુજરાતના પ્રત્યેક ગામમાં જે પ્રતિભા છે, એ પ્રતિભા બહાર આવે અને વધુ તકો મળે તે માટે 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરાઈ અને તેમાં નવા ખેલાડીઓ મળ્યા અને તેમને દેશનું નામ રોશન કર્યું અને બેસ્ટ પરફોર્મન્સ આપ્યું. ખેલ મહાકુંભમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લીધો છે. સ્પોર્ટસ ક્ષેત્રે બજેટ સી.એમ. એ વધાર્યું છે, નેશનલ અને ઇન્ટરનેશલ લેવલની ટ્રેનિંગ ગુજરાતમાં આપવામાં આવે છે. જેના કારણે અવ્વલ નંબરે ગુજરાત પહોચ્યું છે. બધા યુવા સાથીઓને અભિનંદન આપુ છે. જેઓ બિહારથી છત્તીસગઢ અને મિઝોરમથી સિક્કીમ તેમજ કશ્મીરથી કન્યાકુમારીથી આવ્યા છે તે બધાનું એક જ લક્ષ્ય છે એક ભારત શ્રેષ્ઠ ભારત.
ઉલ્લેખનીય છે કે, ખેલ પ્રતિભાને નિખારવાના હેતુસર NIDJAM સ્પર્ધા યુવાનો માટે કરીયર પથ પણ બની રહેશે. વિવિધ કેટેગરીની સ્પર્ધા જેમ કે, રનિંગ, હર્ડલ રેસ, લોન્ગ જંપ, હાઈ જંપ, ગોળા ફેંક, ભાલા ફેંકમાં ખેલાડીઓ કમર કસતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત ઉત્તમ પ્રદર્શન કરનાર વિજેતાઓને મેડલ અને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં આગામી સમયમાં વિશ્વ લેવલની 2036 ઓલિમ્પિક સ્પર્ધાને ધ્યાનમાં રાખીને એથ્લેટિક ફેડરેશન ઓફ ઈન્ડિયા સહીતની રમત ગમત ક્ષેત્રની સંસ્થાઓ દ્વારા તાલિમ પણ સ્પર્ધા પૂર્ણ થયા બાદ ખેલાડીઓને અપાશે. જેથી ભારતના રમતવીરો અન્ય કેટેગરીની રમતની સ્પર્ધાની સાથે સાથે એથ્લેટીક્સ સ્પર્ધામાં પણ કાંડાનું કૌવંત બતાવી દેશનું નામ રોશન કરી શકે.
નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ (NIDJAM)એ દર વર્ષે યોજાતી રમતગમતની ઈવેન્ટ છે. તેમાં અંડર-14 અને અંડર-16 વયના સ્પર્ધકો ભાગ લઈ શકે છે. જેમાં દેશના જિલ્લાઓમાંથી સ્પર્ધકો ભાગ લે છે, અત્યાર સુધીની યાદી પર એક નજર કરીએ તો 20 વર્ષમાં કુલ 55 હજાર સ્પર્ધકોએ NIDJAMમાં ભાગ લીધો છે, આ એક એવું પ્લેટફોર્મ છે જેમાં ગ્રામીણ વિસ્તારોના કૌશલ્યોને શોધીને એક નવી દિશા આપવામાં આવે છે અને પછી તેમને શ્રેષ્ઠ તાલીમ આપીને સન્માનિત કરવામાં આવે છે. આ પછી ખેલાડીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તૈયાર કરવામાં આવે છે.