ચાલો આપણે થાઈલેન્ડની સફરને આગળ વધારીએ. થાઈલેન્ડની સફરને વૈવિધ્ય પૂર્ણ અને યાદગાર બનાવવામાં મોટો ફાળો ફુકેટનો છે. તો આજે આપણે ત્યાંની વાતો કરીશું. ત્યાનું ઓલ્ડ ટાઉન, સંસ્કુતીક પરમ્પરા વગેરે તો માણવા જેવા છે જ, પણ ફુકેટની આસપાસના નાના નાના સુંદર ટાપુઓની સફર સહેલી અને યાદગાર બની જશે. અહીના બે વિશ્વપ્રસિદ્ધ ટાપુઓ તો જોવા જ પડે.
ફુકેટની ઉત્તર પૂર્વમાં આવેલ “PHANG NAG BAY” ની એક દિવસની ટુર ખુબ મજાની રહેશે. પાના જેવા ચકચકિત લીલાછમ પાણીમાં ઠેર ઠેર જોવા મળતા ચૂનાના પથ્થરોના ખડકો, તે પણ ફરતા ભમરડાની માફક નીચેથી અણીદાર અને ઉપર જતા ઘેરાવામાં મોટા થતા જોવા મળે છે. પાણીમાં તરતી બોટમાં સફર કરતા કરતા અને ચૂનાના ખડકો ઉપરની લીલીછમ વનસ્પતિઓ જોતા જોતા જેમ્સબોન્ડ આઈલેન્ડ પહોચો ત્યારે તમને 1974 ની ફિલ્મ “ The Man With The Golden Gun” યાદ ના આવે તેવું બનેજ નહિ. હા સાચી વાત આ ફિલ્મનું શુટિંગ જેમ્સબોન્ડ આઈલેન્ડ ઉપર થયું છે. ખરેખર તો જેમ્સબોન્ડ ને લીધેજ આ ટાપુને જેમ્સબોન્ડ આઈલેન્ડ નામ અપાયું છે. પહેલા તેનું નામ ‘KOHTA-PU’ હતું. આખો ટાપુ તેની ઉપર આવેલ ખાસ પ્રકારની પથરાળ કરાડોથી ખુબ સુંદર લાગે છે. આ ટાપુ ઉપર કોઈ કાયમી વસ્તી નથી. ત્યાં સવારથી સાંજ સુધી કેટલાક નાના સ્ટોલ લગાવે છે. તે પણ સરકારી પરમીટ લઈને. આ સ્ટોલમાં નાના નાના સોવેનીયર જેવી વસ્તુઓ વેચાય છે.
જો તમે ટુર લીધી હોય તો તમને જેમ્સબોન્ડ ટાપુથી એજ બોટમાં આગળ લઇ જાય છે. તે ટાપુનું નામ છે ‘KOH PANYEE’ આ એક મુસ્લિમ ગામડું છે. પણ તેની કેટલીક વિશિષ્ટતા છે. ચાલો જોઈએ. આખું ગામ લાકડાના મોટા મોટા બિંબ ઉપર દરિયાના પાણીની વચ્ચે બાંધેલું છે. કેટલાક ખડકોથી પણ તે રક્ષાયેલું છે. એટલે કે તે એક તરતું ગામ છે. હજી સુધી તેનું એન્જીનીયરીંગ કેવી રીતે થયું તે ખબર નથી. અહી પ્રવાસીઓ માટે જમવા-ખાવાની સગવડ છે. સામાન્ય રીતે અહીનો મુખ્ય ઉદ્યોગ માછીમારી છે. રેસ્ટોરન્ટમાં ખાવામાં પણ સી ફૂડ મુખ્ય છે. છીછરા દરિયામાં આવેલ તરતા ગામડામાં દરિયા સામે આવેલ રેસ્ટોરન્ટમાં બેસીને ખાવાની મજા જુદી જ છે. એમાય જે લોકો સી ફૂડના શોખીન હોય તેમને ખુબ મજા આવે. અમે તો તાજું નારિયેળ પાણી પીધું ને પછી થોડીવારે આઈસ્ક્રીમ ખાધો. આ ગામમાં એક પ્રાથમિક શાળા, મસ્જીદ, હેલ્થ સેન્ટર, ખુબ બધી સોવેનીયરની દુકાનો અને થોડી રેસ્ટોરન્ટ આવેલી છે.
આ સીવાય જે લોકો કયાકીંગના શોખીન છે. અથવા થોડું એડવેન્ચર કરવું છે તો સી- કયાકીંગની મજા પણ માણવા જેવી છે. ખડકોની કરડોની નીચે તમે ગુફા જેવું જોઈ શકો ત્યાં દરિયાઈ જીવ સૃષ્ટિ જોવાની પણ એક મજા છે. ઊંચા સીધા પહાડોને તેની કોતરો સુંદર દ્રશ્ય બનાવે છે. કયાકીંગ કરીને આ લાઈમસ્ટોન કલીફની નજીકથી સફર કરજો ખુબ આનંદ આવશે. દરિયો હોવા છતાં ત્યાનું પાણી શાંત છે. જો બાવડામાં જોર હોય તો જરૂર નાવડું લઈને નીકળી પડજો સાગરના ખોળે કુદરતનો નવો જ શણગાર જોવા મળશે. ફુકેટ બસ આટલુ જ નથી હજી ઘણી જગ્યાઓ છે. પણ તેની માહિતી આવતા અંકમાં જોઈશું.
- નિસ્પૃહા દેસાઈ