શ્રીનગર:જમ્મુ કાશ્મીરમાં સક્રિય રહેલા ત્રાસવાદીઓ સામે ઓપરેશન ફરી હાથ ધરવામાં આવ્યુ છે. એક ત્રાસવાદી ઠાર થયો છે.દક્ષિણ કાશ્મીરના સોપિયા જિલ્લામાં હિઝબુલ અને લશ્કરના ત્રાસવાદીઓ દ્વારા ત્રણ પોલીસ કર્મીઓની હત્યા કરવામાં આવ્યા બાદ સેના હવે દક્ષિણ કાશ્મીરના જુદા જુદા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ખીણમાં ત્રણ પોલીસ કર્મીઓની હત્યા બાદ સાવધાન થયેલી પોલીસ ટુકડીએ સુરક્ષા સંસ્થાઓની સાથે મળીને આજે સવારે જુદા જુદા વિસ્તારમાં કામગીરી હાથ ધરી હતી. સેનાને પુલવામાં અને સોપિયાના કેટલાક જિલ્લામાં ત્રાસવાદીઓની ઉપસ્થિતિ અંગે માહિતી મળી હતી. આ માહિતીના આધાર પર સેનાએ અન્ય સુરક્ષા દળોની સાથે મળીને સોપિયન અને પુલવામાના અડધા ડઝનથી વધુ ગામોમાં ઘેરાબંધી કરીને તપાસ હાથ ધરી હતી.
સેનાને ૫૩, ૫૫ રાષ્ટ્રીય રાયફલ, ૨૩ પેરામેડિકલ, કેન્દ્રીય પોલીસની ૧૮૨ અને ૧૮૪ બટાલિયન અને જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાન પુલવામાં અને સોપિયાના અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ તલાશી અભિયાનમાં પુલવામામાં લસ્સીપોરા, અલાઈપોરા, હજદારપોરા સહિતના કેટલાક ગામોને ખાલી કરાવીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. સર્ચ ઓપરેશન માટે ૭૦૦ જવાનોની તૈનાતી કરવામાં આવી છે. સેનાના આ મોટા અભિયાન દરમિયાન પુલવામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, શુક્રવારના દિવસે સોપિયન જિલ્લામાં ત્રાસવાદીઓએ ત્રણ પોલીસ કર્મચારીઓનું અપહરણ કરી લીધું હતું અને ત્યારબાદ તેમની ઘાતકી હત્યા કરી દીધી હતી. આ બનાવ બાદ છ પોલીસ જવાનોએ તેમના રાજીનામાની જાહેરાત કરી દીધી હતી.