શિક્ષક દિવસ શિક્ષકોને સન્માનવા માટે ઉજવવામાં આવે છે. વિશ્વમાં શિક્ષક દિવસ ૫ ઓક્ટોબરના રોજ મનાવાય છે જ્યારે ભારતમાં ૫ સપ્ટેમ્બરના રોજ મનાવામાં આવે છે. ૫ સપ્ટેમ્બર ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે તેઓ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા. તેમની યાદમાં આ દિવસ મનાવાય છે.
આજે શિક્ષક દિવસ એટલે બાળકોને ખુદ શિક્ષક બનવાનો લ્હાવો. બાળકો ગઈકાલથી જ આવતીકાલે શુ ભણાવવુ? શું કરવું? એ ચર્ચામાં રત હોય, અનેરો ઉત્સાહ એના માનવી ઉર્જાનો સંચય કરી રહ્યો હોય, મનમાં આજે ગણવેશ પહેરવાથી મુક્તિની ખુશી હોય તો બીજી તરફ બીજા વિદ્યાર્થીઓ આજે એમના તરફ અલગ દૃષ્ટિભાવથી જોઈ રહ્યા હોય એનો તોર હોય. વિદ્યાર્થીને આજે એવું લાગતું હોય કે પોતે કંઈક આજે નવું કરવા જઈ રહ્યા છે, થોડુંક એમ પણ થતું હોય કે કંઈક ભૂલતો નહીં થાયને ? પણ વિશ્વાસ થકી આગળ વધતા હોય.
આજે વિદ્યાર્થીઓ આખી શાળાનું સંચાલન ખુદ કરવાના હોય છે .જેમાં આચાર્ય, શિક્ષક, પટાવાળા, કારકુન જેવી અનેક પ્રક્રિયાઓ કરે છે જે રોજ શાળામાં નિભાવાતી હોય છે બીજી તરફ શિક્ષકો પણ વિચારતા હોય કે ચાલો આજે આપણી પણ કસોટી છે આપણો વિદ્યાર્થી કેટલો સક્ષમ છે. આપણે એને શું શીખવ્યું? કેવું એનું ઘડતર કર્યું? અને આપણે જે શિક્ષણ આપ્યું છે તે ખરું છે? શિક્ષકો પણ ગર્વ અનુભવે છે જ્યારે તેમના વિદ્યાર્થીઓ પોતે આપેલા શિક્ષણને એક અલગ જ રીતે રજૂ કરી રહ્યા હોય.
શાળાનું સમય પૂર્ણ થતા જે વિધાર્થીએ તેમને સોંપવામાં આવેલુ કાર્ય સરસ રીતે પૂર્ણ કર્યું હોય તેમને ઈનામો પણ આપવામાં આવે છે અને આશ્વાસન ઇનામ તો ખરુ જ જેથી દરેક વિધાર્થીનો આત્મ વિશ્વાસ જળવાય રહે.
અને અંતમાં ગુરુઓ કે શિક્ષક કહો તેમના માટે આપણા શાસ્ત્રમાં લખ્યું છે.
“ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ,ગુરૂ દેવો મહેશ્વરા,
ગુરૂ સાક્ષાત, પર બ્રહ્મ તસ્મે: શ્રી ગુરુદેવ નમઃ”
શિક્ષકોને કોટી કોટી વંદન.
- કમલ બ્રહ્મક્ષત્રિય
નોંધઃ પ્રસ્તુત લેખમાં રજૂ કરાયેલ તમામ તારણો અને વિચારો લેખકને સ્વાધિન છે.