તમે ય મને ગમો છો…
કહેવાય છે કે માણસની ઉંમર વધતી જાય તેમ તેમ તેને કોઇની સાથે પ્રેમ થઇ જવાની શક્યતા ઘટતી જાય છે, એટલે કે યુવાનીને ઉંબર પગ મૂક્યા પછી લગ્ન થાય ત્યાં સુધીમાં જ પ્રેમનાં અંકુર ફૂટી શકે તે પછી એની શક્યતા ઘટતી જાય છે. મને લાગે છે કે આ માન્યતા બરાબર નથી. પુરુષ હોવાથી હું પુરુષોની માનસિકતા જાણી શકું. બાકી સ્ત્રીઓની આ અંગેની માનસિકતા કે વિચારધારા બાબતે કશું નકહી શકું. હા, તો કહેવાનું એટલું કે પુરુષો ને જન્મજાત જ સ્ત્રીઓ નું આકર્ષણ હોય એ સ્વાભાવિક બાબત છે. એમાં ય રૂપાળી અને સારા દેહ સૌષ્ઠવ વાળી યુવતી કે જાજરમાન માનુની ને જોઇને મોટા ભાગના પુરુષો ઘડીભર તો અચંબિત થઇ જ જતા હોય છે…અમારા કનુકાકાના જીવનમાં બનેલી એક ઘટના પણ આ સંદર્ભમાં ઘણું કહી જાય છે…
અઠ્ઠાવનનીવયે કનુકાકા સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા, પણ મૂળ કવિ નો જીવ હતો એટલે પુષ્પ, પર્ણ, ઘાસ, ઉપવન, ઝરણું, પનઘટ, સરિતા, વનિતા,ઝૂલ્ફ, અધર,વેણી ગજરો,આવા બધા શબ્દો અને તે શબ્દોને ઉજાગર કરે તેવું કશું ક જોવા મળે તો એ ખૂબ પ્રસન્ન થઇ ઉઠતા. એક લોકપ્રિય દૈનિકમાં કોલમલખતી લેખિકા જ્વાલાના બિન્ધાસ્ત વિચારો, વિષય પરત્વેની ગંભીરતા, ઊંડાણ અને સૂઝ,બૂઝ જોઇને તે મનોમન તેનાથી ખૂબ જ પ્રભાવિત થયેલા જહતા….. એ પોતે પણ કાવ્ય,ગઝલ કે લઘુકથા-નવલિકા પણ લખતા હતા અને છાપામાં કશું ક નિયમિત લખવાની ઇચ્છાધરાવતા હોવાથી તે એકવાર આજ્વાલાને ફોન કરીનેતેને મળવા માટે તે દૈનિકની ઓફિસે જઈચઢ્યા. એ વખતે રિસેષનો સમય હોવાથી પટાવાળાએ જ્વાલા મેડમ આવે ત્યાં સુધી તેમને બહાર વેઇટીંગરૂમમાં બેસવા કહ્યું. તે બેઠા બેઠાં વિચારતા હતા કે,
“ જ્વાલા મેડમ કેવીક હશે ? છાપામાં લખે છે અને એના લેખમાં જે ઉડાણ છે તે જોતાં એમ લાગે છે કે કદાચ એ ય મારી જેમ પીઢ અને ઉંમરલાયક મહિલા હશે… આમ જ્વાલા ના વ્યક્તિત્વ નો વિચાર કરતા તે ક્યાંય સુધી બેસી રહ્યા…ત દરમિયાન બે ચાર છોકરીઓને તેમણે અંદર આવતી જતી જોઇ પણ એ તો એમની ધારણા મુજબ કોઇ જાજરમાન પ્રૌઢ મહિલા ની રાહ જોતા બેઠા હતા, ત્યાં તો પેલા પટાવાળાએ આવીને કહ્યું,
“ સાહેબ કેમ બેસી રહ્યા છો ? જ્વાલા મેડમ તો આવી ગયાં છે….જાઓ જઇને મળી લો..!! “
“ હેં ? આવી ગયા ? “ પૂછતાં બબડતા એ જ્વાલાની ચેમ્બરમાં ગયા. સામે એક નવ યુવાન અને રૂપાળી યુવતીને બેઠેલ જોઇને એમણે પૂછ્યું ,
“ હું જ્વાલા બહેન ને મળવા આવ્યો છું …”
“ હા હા સર, આવો હું જ જ્વાલા છું.. “ તે યુવતી બોલી.
જબરદસ્ત આશ્ચર્ય સાથે એક બે ક્ષણ તો એ જ્વાલાને તાકી જ રહ્યા, પછી સ્વસ્થ થઇ એ વખતે તો એમણે એમના લેખ –કવિતા ગઝલ વગેરે ની જ્વાલા સાથે વાતો કરી અને તેમની સાથે લાવેલાં તેમનાં પ્રગટ થયેલા બે ત્રણ પુસ્તકો ની નકલો પણ જ્વાલાને આપી. પંદરેક મિનિટ એ બેઠા પછી જ્વાલાએ ચા મંગાવી તો એ એને ન્યાય આપીને તે છૂટા પડ્યા. પણ હજી ય એમનું આશ્ચર્ય શમતું ન હતું. શું જે છાપામાં લખે છે તે જ્વાલા આ જ હશે ? આટલી યુવાન અને જાજરમાન ? અઠવાડિયા સુધી એ એના વિચારમાં અટવાયેલ રહ્યા પણ છેવટે તેમનાથી ન રહેવાયું. તો એમણે પોતાની એના પ્રત્યેની ભાવના વ્યક્ત કરવા એને ફોન લગાડ્યો,
“ હલ્લો કોણ ? “
“ હલ્લો સર, ગુડમોર્નિંગ હું જ્વાલા તમે કેમ છો ? “
“ આઇ એમ ફાઇન, જ્વાલા …..”
“ હા સર, બોલો બોલો શું કહો છો ?”
“ એ તો હું એમ કહેતો હતો કે ….. “
એટલું બોલ્યા પછી એમણે ખચકાતાં ખચકાતાં જ્વાલાના વ્યક્તિત્વ વિશે તેમણે કરેલી કલ્પનાની વાત પણ કરી દીધી. જ્વાલા તો એ બધુ સાંભળીને ખુશ ખુશ થઇ ગઇ . તેણે પણ કનુકાકાએ આપેલ વાર્તા સંગ્રહો કવિતાઓ વાંચી લીધું હતું અને તે પણ તેમનાથી પ્રભાવિત થયેલી હતી એટલે તેણે પણ જવાબમાં કનુંકાકાને કહ્યું,
“ સર, મને પણ તમારે માટે એક લાગણી જન્મી છે, જો તમે ગુસ્સે ન થાઓ તો મારે તમને ય કશું ક કહેવું છે…”
“ હા હા કહો ને જે કહેવું હોય તે કહો !! “
“ મને તમારો પ્રેમ જોઇએ છે, મારા પપ્પા તરફથી મળે તેવો પ્રેમ.. બોલો આપશો ને ? ખરેખર તમે મને ગમવા લાગ્યા છો , તમારામાં મને મારા પપ્પાની ઝાંખી થાય છે…”
“ જરૂર જરૂર, બેટા “
કનુકાકા વાતને સંભાળી લેતાં બબડી જ પડ્યા. જ્વાલા એ કનુકાકાની મનની લાગણી કરતાં જૂદો પ્રતિભાવ આપ્યો તેના અચંબામાંથી બહાર આવતાં તેમને અઠવાડિયું લાગી ગયું જોક કે તે પછી તેમને પોતાના છીછરા વિચારો બદલ પસ્તાવો પણ થયો , અને તેના ભાગ રૂપે તે પછી એ જ્યારે જ્વાલાને ફોન કરતા ત્યારે બેટા કહીને જ વાત શરુ કરતા ….”
- અનંત પટેલ