માતા આ શબ્દ જ પોતાનામાં સર્વસ્વ છે, પરંતુ માતા માટે સર્વસ્વ તેનું બાળક જ હોય ત્યારે…? તમને થશે કે એમા નવુ શું છે…એક મા માટે તેના સંતાનથી વિશેષ શું હોઈ શકે છે? હા, પણ જો તે પ્રેમ નિસ્વાર્થ હોય તો. અહીં કોઈ માતાની સંવેદનાને ઠેસ પહોંચાડવાની વાત નથી. તમને એમ થશે કે માતાનો પ્રેમ તો હંમેશા નિસ્વાર્થ જ હોય ને… માતાથી વિશેષ કોણ સંતાન માટે વિચારી શકે?
કોઈ પણ વસ્તુમાં જ્યારે અતિશયોક્તિ થાય ત્યારે પ્રોબલેમ શરૃ થાય. અહીં માતાની વાતનાં સંદર્ભમાં જોઈએ તો બાળકનાં રૂટિનને માતા ઘણીવાર પોતાની દિનચર્યામાં એવી રીતે વણી લે છે કે જો બાળકનું રૂટિન ચેન્જ થાય તો તેનાં માટે તકલીફનું કારણ બની જાય છે. જેમકે કોઈ બાળક કાયમ તેની મમ્મી સાથે જ બહાર શોપિંગ કરવા જતો હોય અને પછી કોઈક દિવસ તેનાં મિત્રો કે અન્ય સાથે જાય તો જાણે અજાણે માતાની લાગણીને ઠેસ પહોંચે છે. આ લક્ષણોમાં ઘણીવાર માતાને ખબર પણ નથી હોતી કે તેઓ પઝેસિવ બની રહ્યાં છે. પોતાનો સંતાન પ્રત્યેનો આવો પ્રેમ સંતાનને પણ નુક્સાન પહોંચાડી શકે છે તે અંગે પણ તેઓ આંખ આડા કાન કરતા થઈ જાય છે. આ પ્રશ્ન ત્યારે વધારે મોટો લાગે છે જ્યારે સંતાનને ભવિષ્ય અને કારકીર્દી માટે બહાર ભણવા મોકલવાના હોય. આપણી આસપાસ એવા ઘણા ઉદાહરણ છે જે સંતાનો ટેલેન્ટેડ હતા પરંતુ તેમને ઘરથી દૂર ભણવા કે કમાવા જવાની મનાઈ હતી તે કારણે પાછળ રહી ગયા. એવું નથી કે આ કિસ્સા માત્ર છોકરીઓ માટે જ છે, ૬૦ ટકાથી વધારે આવા કિસ્સા છોકરાઓ માટે બનતા હોય છે. સંતાનને બહાર ભણવા ન મોકલાય તે પાછળનાં બહાના કંઈક આ પ્રકારનાં હોય છે જેમકે,
એકનો એક દીકરો છે ને બહાર મોકલીએ અને કંઈક થઈ જાય તો? (જો થવાનું હોય તો ઘરે બેઠા પણ કંઈક થઈ જ શકે )
ત્યાં તેનું ધ્યાન કોણ રાખે? (તમે પણ ક્યારેક નાના હતા પણ જો તમે પગભર થઈ શકતા હોય તો દીકરો કેમ નહીં)
દીકરો બહાર ભણતો હોય અને અમે અહીં એકલા…અમને કંઈ જરૂર પડે તો? (એટલે ઉછેરનું વળતર મેળવવા સંતાનનાં ભવિષ્યને દાવ પર મૂકી શકાય)
છેલ્લુ પણ મોટુ કારણ…દીકરો અમને ભૂલી જશે તો…(ઈન સિક્યોરિટી…શું કામ તમને ભૂલી જાય)
આવા ઘણા બધા કારણો છે જ્યાં માતૃત્વ પણ બાળવિકાસ પર હાવી થઈ જતુ જોવા મળે છે. વિભક્ત કુટુંબમાં આવા કિસ્સા વધુ જોવા મળે છે. જરૂરી નથી દરેક વખતે આ વાત સાચી જ પડે ..પણ ઘણાં આવા કિસ્સાઓ છે જેના પર એક વિચાર કરવો જોઈએ.