છેલ્લા ઘણા સમયથી સ્થગિત કરેલી ઇ-મેમો સિસ્ટમ ૧૫મી એપ્રિલથી ફરી અમલી બનાવવમાં આવી છે. ટ્રાફિક નિયમનો ભંગ કરનારાઓને હવે ફરી ઇ-ચલણ મળતું થશે.
આ પ્રક્રિયામાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના વિવિધ નિયમનો ભંગ કરનારાઓને સીસીટીવી મારફતે ઝડપી પાડશે અને ઇ-મેમો દ્વારા રૃા. ૧૦૦થી લઇને ૧૦૦૦ હજાર સુધીનો દંડ વસૂલ કરશે.
અમદાવાદ શહેર સહિત રાજ્યના ચાર મહાનગરોમાં ટેકનીકલ ખામીના કારણે અગાઉ કાર્યરત ટ્રાફિકના દંડ માટેના ઇ-મેમોને રાજ્ય સરકારે બંધ કર્યો હતો. હવે અમદાવાદ શહેરમાં ફરીથી ઇ-મેમોને પ્રારંભ થયો છે. જેના માટે શહેરમાં કુલ ૧૪૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને ઇન્કમટેક્ષ, નહેરુબ્રિજ, વાડજ સર્કલ સહિતના ચાર રસ્તા પર ૧૦ જેટલા સીસીટીવી કેમેરા લગાડયા છે.
જેથી બ્રિજો પરથી આવતા જતા વાહન ચાલકો ટ્રાફિક નિયમનો ભંગ કરશે તો કમાન્ડ એન્ડ કન્ટ્રોલના સીસીટીવી કેમેરા દ્વારા કેપ્ચર કરાયેલા ફોટાના આધારે ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહન ચાલકોના ઘેર ઇ-મેમો મોકલીને દંડની વસૂલાત કરાશે.