અમદાવાદ : સુરતના ઓલપાડમાં આભ ફાટ્યું હોય તેમ માત્ર પાંચ જ કલાકમાં ૧૪ ઈંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર અને પૂરની સ્થિતિ ઉભી થઈ છે. તો, માગંરોળમાં પણ ૧૨ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી જ પાણી ભરાઇ ગયા હતા. સમગ્ર પંથકના રસ્તાઓ અને વિસ્તારો આખા પાણીમાં ગરકાવ થઈ જતાં જળાશય બની ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. કીમ નદી ભયજનક સપાટી વટાવીને ઓવરફ્લો થતાં ઓલપાડ અને કીમ નદીની આસપાસના ગામડાઓને એલર્ટ પર મુકી દેવામાં આવ્યાં છે. તો, તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે સ્કૂલ કોલેજમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે.
ઓલપાડનો હાથીસા રોડ સંપર્ક વિહોણો થઈ ગયો હતો અને તેના પરથી પાણી ફરી વળ્યાં હતા. અતિ ભારે વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા અને ૧૫૦૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી. ભારે વરસાદના પગલે ઓલપાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મોટાભાગના તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જાવા મળ્યા હતા. ઓલપાડનું હાથીસા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. નીચાણવાળા વિસ્તારમાંથી હાલ ૧૫૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઓલપાડમાં ભારે વરસાદના કારણે સેવા સદનમાં પાણી ઘુસી ગયાં હતા. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારો અને સ્કૂલોમાં પાણી ભરાઈ ગયાં હતા, જેના કારણે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. ઓલપાડના સોંદલાખારા ગામની સરકારી શાળામાં કેડ સમા પાણી ઘુસી ગયાં હતા.
બીજીબાજુ, માંગરોળમાં પણ ૧૨ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. ઉમરગામમાં પણ નવ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર બની ગયુ હતુ. તો, જિલ્લાના વાપીમાં ૨૪ કલાકમાં ૯ ઇંચ વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદને લીધે તારાજી સર્જાઈ હતી. ક્યાંક નાના મોટા ઝાડ પડવાના અને લોકોના ઘરોમાં, દુકાનોમાં પાણી ભરાવાના બનાવો પણ બન્યા હતા. સમગ્ર જિલ્લામાં પારડી, કપરડામાં સૌથી વધુ ૧૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને લઇને સમગ્ર જિલ્લામાં જનજીવન ઠપ્પ થઇ ગયું છે. વિગતો અનુસાર, શુક્રવારના રોજ ધીમીધારે વરસી રહેલા વરસાદે રાત્રે ધોધમાર આકાશી પાણી વરસાવ્યું હતું. શુક્રવારની રાત્રીના ૧૦ વાગ્યાથી શનિવારના સવારના ૬ વાગ્યા સુધીમાં વાપીમાં ૫ ઇંચ વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા છે. સમગ્ર જિલ્લામાં જાઇએ તો, ઉમરગામ, કપરાડા, ધરમપુર, પારડી, વલસાડ, વાપી, ઉપરાંત નવસારી, તાપી, ડાંગ અને સુરત સહિતના પંથકોમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
આ તમામ પંથકોના લોકો પૂરના અને વરસાદી ડૂબમાં ઘેરાયેલા અને હાલાકીમાં મૂકાયેલા જોવા મળતા હતા. તંત્ર પણ આભ ફાટવાના કારણે દોડતુ થયુ હતુ પરંતુ રાહત અને બચાવની કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.