સુરત : સુરત અગ્નિકાંડની ઘટનાના એક દિવસ બાદ આજે મૃત્યુ પામેલા તમામ બાળકોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ૧૯ બાળકોના મૃતદેહોને અગ્નિસંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર ગૃહમાં લાવવામાં આવ્યા ત્યારે તમામ લોકોના આંખમાં આસુ આવી ગયા હતા. ભારે ભાવનાશીલ દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાના આઘાતમાંથી લોકો હજુ પણ બહાર આવી શક્યા નથી. અગ્નિકાંડમાં ૨૩ બાળકોના મોત થયા હતા.સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં ગઇકાલે ભીષણ આગ ફાટી નીકળતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના મોત થયા હતા. ટ્યુશન ક્લાસીસમાં રહેલા બાળકો આગથી બચવા માટે ચોથા માળેથી કુદી ગયા હતા. જેના કારણે તેમના મોત થયા હતા. આ ઉપરાંત આગમાં પણ કેટલાક બાળકોના મોત થઈ ગયા હતા. ૨૩ બાળકોના મોતથી ભારે હાહાકાર મચી ગયો હતો. ગુજરાત સરકાર પર આગની આ ઘટનાથી હચમચી ઉઠી હતી.
તરત જ સહાયતાની જાહેરાત કરવામાં આવી હતી. સાથે સાથે તપાસના આદેશ પણ કરવામાં આવ્યો હતો. દરમિયાન સુરતમાં આગની દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને રાજય સરકાર દ્વારા ચાર-ચાર લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સમગ્ર ઘટના અંગે દુઃખની લાગણી વ્યકત કરી હતી અને સમગ્ર ઘટનામાં તપાસના આદેશો આપ્યા હતા. સરકાર અને તંત્ર દ્વારા મોડેમોડેથી આ ઘટનામાં જવાબદારો અને કસૂરવારો વિરૂધ્ધ આકરી કાર્યવાહી કરવાની હૈયાધારણ ઉચ્ચારવામાં આવી હતી. જા કે, વાલીઓમાં અને સુરતવાસીઓમાં ઉગ્ર આક્રોશની આજે સતત બીજા દિવસે લાગણી તો જાવા મળતી જ હતી. સરકારની સહાય કે પગલા લેવાથી જે માતા-પિતાના સંતાનો મૃત્યુ પામ્યા છે તે પાછા નહી આવે તેવો આક્રોશ લોકોએ ઠાલવ્યો હતો.
સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા કોમ્પલેક્ષના ૪થા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે જબરદસ્ત ભાગદોડ, નાસભાગ અને ચીસાચીસ મચી ગઇ હતી. આ ગંભીર દુર્ઘટનામાં ૧૯ થી વધુ લોકોના મોત નીપજયા હતા.