અમદાવાદ :સુરતના સરથાણામાં તક્ષશિલા આર્કેડમાં આગની ગોઝારાકાંડમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પર આખરે પોલીસનો ફોજદારી કાર્યવાહીનો કાનૂની ગાળિયો કસાયો છે અને આ સમગ્ર પ્રકરણમાં સુરત ક્રાઇમ બ્રાંચે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.કે.આચાર્ય અને ફાયર ઓફિસર કિર્તી મોઢની ધરપકડ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. એટલું જ નહીં પોલીસે આ સમગ્ર મામલામાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાય, કેતન પટેલ અને વરાછા ઝોનના કાર્યપાલક ઇજનેર ડી.આર. ગોહિલના પણ નિવેદન લેવાયા હતાં. સુરત ક્રાઇમબ્રાંચે તપાસનો ધમધમાટ તેજ બનાવતાં આગામી દિવસોમાં વધુ અધિકારીઓ કે કર્મચારીઓ પણ સંકજામાં આવે તેવી પૂરી શકયતા છે.
સુરતમાં ૨૩ નિર્દોષ બાળકોનો ભોગ લેનારી તક્ષશિલા આર્કેડની આગની ઘટનાએ પાલિકાના વહીવટી તંત્રને ચારેકોરથી ફસાવી દીધુ છે તો, રાજયભરમાં આ દુર્ઘટનાએ ભારે ખળભળાટ અને અરેરાટી મચાવ્યા હતા. ત્યારે વકરેલા વિવાદ અને જનઆક્રોશની માંગને જાતાં સુરત ક્રાઇમબ્રાંચે પણ આ પ્રકરણમાં તપાસનો ધમધમાટ વેગવંતો બનાવ્યો હતો. પોલીસે સુરત મહાનગરપાલિકાના ફાયરવિભાગના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.કે. આચાર્ય અને ફાયર ઓફિસર કિર્તી મોઢ, એડિશનલ ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ, ડેપ્યુટી કમિશનર એન.વી. ઉપાધ્યાય, ડેપ્યુટી કમિશનર કેતન પટેલ અને કાર્યપાલક ઇજનેર દેવેશ ગોહિલની પણ પૂછપરછ કરી હતી અને તેમના પણ નિવેદનો લેવાયા હતાં.
સુરત ક્રાઇમબ્રાંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ક્રાઈમ બ્રાંચે લીધેલા નિવેદનોમાં અને અત્યાર સુધીની તપાસમાં એવી હકીકત જાણવા મળી હતી કે, ગત નવેમ્બર ૨૦૧૮માં સુરતના વેસુમાં આગમ આર્કેડમાં પણ આ પ્રકારની જ આગની ઘટના બની હતી. તેમાં પણ ટ્યુશન ક્લાસનો એક વિદ્યાર્થી અને શિક્ષિકા સહિત બે વ્યક્તિના મોત થયાં હતાં. આ ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ ફાયર બ્રિગેડને શહેરભરના ટ્યુશન ક્લાસની ફાયર સેફ્ટીની ચકાસણી કરવાનો આદેશ કર્યો હતો. આ આદેશનું પાલન કરવામાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.કે. આચાર્ય અને કિર્તી મોઢની ગુનાહિત બેદરકારી સામે આવી હતી. તેમણે સરથાણામાં જે તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી. તે કોમ્પલેક્સમાં ટ્યુશન ક્લાસિસની કોઈ તપાસ કરી જ નહતી અને નોટિસ પણ ઇસ્યુ કરી નહતી. એટલે આખરે તેમની ગુનાહીત બેદકારી સ્પષ્ટ બનતાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.કે. આચાર્ય અને કિર્તી મોઢની ધરપકડ કરાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધરપકડ કરાયેલા બંને અધિકારીઓને પાલિકાએ ઘટનાના બીજા જ દિવસે સસ્પેન્ડ કરી દીધાં હતાં. વધુમાં, પોલીસે વધુ તપાસના ભાગરૂપે વરાછા ઝોનના તત્કાલીન કાર્યપાલક ઇજનેર ડી.આર.ગોહિલ અને ઝોનલ ચીફ ડી.સી.ગાંધીને પણ નિવેદન આપવા માટે સમન્સ પાઠવ્યાં છે.