અમદાવાદ : રાજ્યમાં હજુ ઉનાળો શરૂ જ થયો નથી ત્યાં જળસંકટ ઘેરું બનવાનાં અને ભરઉનાળે પાણીની તંગી સર્જાય તેવા સ્પષ્ટ એંધાણ અત્યારથી જ વર્તાઇ રહ્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ પાણીની તંગીની સ્થિતિને લઇ ખેડૂતો ચિંતાતુર બન્યા છે તો, લોકસભા ચૂંટણી પણ નજીક હોઇ પાણી મુદ્દે સરકારની પણ મુશ્કેલી આગામી દિવસોમાં વધી શકે તેમ છે. નર્મદા નિગમ અને ક્લપસર વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા રિપોર્ટમાં રાજયના જળાશયોની સ્થિતિના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં રાજયના ૬૫ જળાશયો તળિયાઝાટક અને ૨૦૩ જળાશયોમાં અંદાજે ૩૨ ટકા જેટલું પાણી રહ્યું છે.
રાજ્યની પાણી સંગ્રહ ક્ષમતામાંથી ઉપયોગ કરી શકાય તેવું માત્ર ૨૬.૮૨ ટકા પાણી બચ્યું છે. હાલની સ્થિતિમાં ગુજરાતના તમામ જળાશયોની કુલ પાણી સંગ્રહની ક્ષમતા કરતાં તેમાં માત્ર ૩૧.૯૨ ટકા પાણી છે જે ૫૦૩૦ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો છે અને એમાં પણ ઉપયોગમાં લઈ શકાય તેવો માત્ર ૨૬.૮૨ ટકા પાણીનો જથ્થો છે, જે ૩૯૦૧ મિલિયન ક્યુબિક મીટર છે.
ગુજરાતના ૧૭ મોટા જળાશયોમાં પૈકી માત્ર ૪ જળાશયોમાં જ ૭૦ ટકા કરતાં વધુ પાણીનો જથ્થો છે અન્ય ૧૩માં ૧૦થી ૩૦ ટકા જેટલું જ પાણી બચ્યું છે. પાણીની અછતને લઇ અત્યારથી જ ખેડૂતો ચિંતાતુર બન્યા છે તો, સરકારની પણ મુશ્કેલી પાણીની તંગીની સમસ્યાને લઇ વધી શકે છે.