ભરૂચ: પ૮માં ગુજરાત ગૌરવ દિવસે અંકલેશ્વરના કોસમડી તળાવથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, સુજલામ સુફલામ જળસંચય અભિયાનથી ગુજરાત પાણીના દુકાળને ભૂતકાળ બનાવશે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના કોસમડી તળાવ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્વયં જે.સી.બી. ચલાવીને રાજ્યવ્યાપી મહાઅભિયાનનો શ્રમદાન કરીને પ્રારંભ કરાવ્યો હતો.ત્યાર બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ કોસમડી તળાવના તીરે બાળવૃક્ષોનું વાવેતર કરી, હરિયાળા ગુજરાતના નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
૨૭ હેક્ટરના વિશાળ કોસમડી તળાવ ખાતે જળસંગ્રહ થતા આસપાસના રપ જેટલા ગામોની પાણીની સમસ્યા હલ થશે તેમ જણાવતા મંત્રી ઇશ્વરસિંહ પટેલે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સંવેદનાને ઝીલી સૌને આ મહાઅભિયાનમાં યોગદાન આપવા હાંકલ કરી હતી.
જન-જનને વરસાદી પાણીના સંગ્રહ સાથે પાણીના એક એક બૂંદને પરમેશ્વરનો પ્રસાદ માની ઉપયોગ કરવાનું આહ્વાન કરતા મુખ્યમંત્રીએ આ જળ અભિયાનમાં ગુજરાતનો પ્રત્યેક નાગરિક શ્રમદાન, સમયદાનથી જોડાઇને યોગદાન આપે તેવો સંકલ્પ કરવા પ્રેરણા આપી હતી.
પાણી જ વિકાસનો આધાર છે, જો પાણી નહીં હોય તો વિકાસ અસંભવ છે, એવો સ્પષ્ટ મત વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ ગુજરાતનું આ જળ અભિયાન દેશને નવો રાહ બતાવશે તેમ જણાવ્યું હતું. વિજયભાઇ રૂપાણીએ વરસાદી પાણીના સંગ્રહ સાથે જ વરસાદ આવે પછી મોટા પાયે વૃક્ષો વાવવા, અને જળ અભિયાન દરમિયાન નદીઓના કાંઠાની સફાઇ કરી, નદીઓને પુનર્જિવિત કરવા પણ અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ સમુદ્રના ખારા પાણીને ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા પીવાલાયક મીઠા બનાવવાના રાજ્ય સરકારના આયોજન તેમજ પાણીનો રી-યુઝ કરી સાયકલ રિડયુસના અભિગમની પણ ભૂમિકા આપી હતી. વિજયભાઇ રૂપાણીએ ભાડભૂડ બેરેજ યોજના દ્વારા આગામી દિવસોમાં ભરૂચ વિસ્તારની પાણીની સમસ્યામાંથી પ્રજાજનોને કાયમી છૂટકારો મળશે તેમ જણાવી, આ કામગીરી ટેન્ડરીંગ પ્રક્રિયા સુધી પહોંચી હોવાનું પણ જણાવ્યું હતું.
સ્વ. કનૈયાલાલ મુન્શીના વતન એવા ભરૂચ ખાતેથી ભૂતકાળમાં તેમણે આરંભેલા વૃક્ષારોપણ અભિયાનની પવિત્ર ભૂમિ ઉપરથી જ આજે સુજલામ સુફલામ જળસંચય યોજનાનો પ્રારંભ થઇ રહ્યો છે તેમ પણ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું.
ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વિષમ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ગુજરાતને વિકાસની રાહ ઉપર લાવવાનું ભગિરથ કાર્ય કરનારા મહાનુભાવો સહિત મહાગુજરાતની ચળવળના લડવૈયાઓ એવા નામી/અનામી અસંખ્ય લોકોએ ગુજરાતને અગ્રેસર કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે, તેમ જણાવી મુખ્યમંત્રીએ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિને કારણે આજે ગુજરાત સમગ્ર દેશમાં, દરેક ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા સાબિત કરી રહ્યું છે તેમ જણાવ્યું હતું.
ગુજરાત સ્થાપના દિવસના સૌને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ક્લીન અને ગ્રીન ગુજરાતની પરિકલ્પનાને સાકાર કરવા માટે પણ સૌને અપીલ કરી હતી. પ્રારંભે સુજલામ સુફલામ જળસંચય યોજનાની રૂપરેખા આપતા મુખ્ય સચિવ જે. એન. સિંહ, પ્રજાજનોની વ્યાપક ભાગિદારીથી આ અભિયાન અવિરતપણે ચાલુ રહે તે ઇચ્છનિય છે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ અહીં જળસંચયના સંકલ્પ સાથેના સીગ્નેચર કેમ્પેઇનનો પણ પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે અહીં સ્થાનિક કલાકારો દ્વારા તેમની કળાને પ્રદર્શિત કરતી વિશાળ રંગોળી તથા તેના કલાકાર કસબીઓની પણ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી.
તળાવના કાંઠે તૈયાર કરાયેલા વિશાળ સામિયાણાંમાં જુદા જુદા સમાજના અગ્રણીઓ, મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ભાવભીનું સ્વાગત કરાયું હતું. જિલ્લાના જુદા જુદા ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગકારોએ પણ મુખ્યમંત્રીશ્રીને સંકલ્પપત્ર તથા રોકડ રાશીના ચેક આ અભિયાન માટે અર્પણ કર્યા હતા. રાજ્ય સરકાર વતી મુખ્ય સચિવ શ્રી જે. એન. સિંહે ભરુચ જિલ્લા વહિવટીતંત્રને રૂા.૧ કરોડનો ચેક અર્પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત રાજ્યમાં અંદાજે ૧૩ હજાર જેટલા તળાવો, ચેકડેમ, જળાશયો ઊંડા કરાશે, અને પરંપરાગત જળસ્ત્રોતના નવિનિકરણના કામો હાથ ધરાશે. આ ભગિરથ કાર્યમાં રાજ્યની પ્રચંડ જનશક્તિને જોડીને, અંદાજીત ૧૧૦૦૦ લાખ ઘનફૂટ વરસાદી પાણીના સંગ્રહના સંકલ્પ સાથે રાજ્યભરમાં એક માસનું જળ અભિયાન હાથ ધરાશે.
અભિયાન દરમિયાન રાજ્યના ૩૦ જિલ્લાઓની અંદાજે ૩૪૦ કિલોમીટરની ૩૨ નદીઓ-કોતરોને પુનઃજિવિત કરાશે, તો ૫૪૦૦ કિલોમીટર લંબાઇની નહેરોની સાફસફાઇ અને ૫૮૦ કિલોમીટર લંબાઇના કાંસની પણ સફાઇ હાથ ધરાશે. દરમિયાન મનરેગા યોજના હેઠળ જળસંચય અને જળસંરક્ષણના ૧૦,૫૭૦ કામો પણ હાથ ધરાશે.