અમદાવાદ: આજે અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાનના સમાપન પ્રસંગે સંબોધતાં મુખ્યમંત્રી વિજયભાઇએ જણાવ્યું હતું કે, રાજ્યની પ્રજાએ તળાવો ઊંડા કરવા જનભાગીદારી સ્વરૂપે નિતારેલો પરસેવો પારસમણી પુરવાર થવાનો છે. લાખો ઘનફુટ માટી ખોદીને ૧૧ હજાર લાખ ઘનફુટ જળસંગ્રહની ક્ષમતા ઉભી કરવાની છે. આ માટી ખેતરોમાં-પાળાઓ ઉપર નાંખી છે તેથી પાણી બચવાની સાથે ખેત ઉત્પાદન પણ વધવાનું છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ સાથે અત્રે ‘૧૦૮ નર્મદા જળ કળશ’ પૂજનવિધિમાં મુખ્ય મંત્રીએ સહભાગી થઇ પૂજન અર્ચન કર્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાનના બાકી રહેલા કામ ૮મી જૂન સુધીમાં પૂર્ણ કરાશે. જળ એ જીવન છે આ ઉક્તિ ગુજરાતે સાચા અર્થમાં સાકાર કરી છે. પાણી વિકાસની પારાશીશી પણ છે અને આધાર પણ છે ત્યારે રાજ્યનો વિકાસ હવે બમણા વેગથી થવાનો છે. જળસંચયના આ અભિયાનથી રાજ્યમાં જળસ્તર ઉંચા આવશે અને તેનો સીધો લાભ પ્રજાને અને જીવસૃષ્ટિને મળશે એમ તેમણે ઉમેર્યું હતું.
રાજ્યમાં હાથ ધરાયેલા આ પવિત્ર અભિયાનનો વિરોધ કરનારાઓનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો વિરોધ કરવાની માનસિકતાથી પીડાય છે. ધડ માથા વિનાનાં નિવદેનો કરીને કોંગ્રેસ સ્વયં લોકનજરમાંથી ઉતરી ગઇ છે. જળસંચયમાં રૂા. ૨૦૦ કરોડના કામો સામે રૂા. ૨૪૦૦ કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ કરે તે જ પુરવાર કરે છે કે તેમાં કોઇ તથ્ય નથી. કોંગ્રેસને સપનામાં પણ કૌભાંડો આવે છે ત્યારે રાજ્યની ભાજપ સરકારે સાચા અર્થમાં જનભાગીદારીને જોડીને જનહિતનું કામ કર્યું છે.
ભવિષ્યની પેઢી પર દુષ્કાળનો ઓછાયો પણ ના પડે તેનું અભિયાન ગુજરાત સરકારે જળસંચયના માધ્યમથી હાથ ધર્યું હોવાનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, આ અભિયાન શરૂ કર્યું ત્યારે ૫૨૭ જેસીબી. મશીન હતા આજે ૪૬૦૦ જેસીબી મશીન જોડાયા છે. ૨૦૦૦ ટ્રેકટર -ડમ્પર વધીને ૧૬૦૦૦ થયા છે. ૨૭૦૦૦ શ્રમિકોની શરૂઆત આજે ૩ લાખ શ્રમિકો સુધી પહોંચી છે.