વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સહિત ભારતભરમાં ચાલી રહેલા ‘મેદસ્વિતા મુક્ત’ અભિયાનમાં સ્વયંભૂ રીતે નાગરિકો જોડાઇ રહ્યા છે. વર્તમાનમાં નાના-નાના બાળકોમાં ચોકલેટ તેમજ ખાંડ ઉપરાંત મીઠી વાનગીઓ ખાવાનું પ્રમાણ વધી રહ્યું છે. સમગ્ર દેશમાં બાળકોમાં ટાઇપ-૨ ડાયાબિટીસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. આ ચિંતાજનક વલણ મુખ્યત્વે ખાંડના વધુ પડતા સેવનના કારણે થાય છે. ખાંડનો વધુ પડતો વપરાશ માત્ર ડાયાબિટીસનું જોખમ જ નહીં પરંતુ સ્થૂળતા, દાંતની સમસ્યાઓ અને અન્ય મેટાબોલિક વિકૃતિઓમાં પણ વધારો કરે છે. ખાંડનું વધુ પડતું સેવન બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણને લાંબા સમયે અસર કરે છે. બાળકો ખાંડનું સેવન ઓછુ કરે તે માટે શાળા કક્ષાએ ‘સુગર બોર્ડ’ લગાવવામાં આવશે એમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.
આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં બાળકોના ખાંડના ઉપયોગને ધ્યાને લઈને એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં શાળા કક્ષાએ યોગ્ય જગ્યાએ “સુગર બોર્ડ’ લગાવવાનું રહેશે. જેમાં વિદ્યાર્થીઓને વધુ પડતા ખાંડના સેવનના જોખમો વિશેની માહિતી આપવામાં આવશે. આ બોર્ડમાં દૈનિક ખાંડનું સેવન, સામાન્ય રીતે ખાવામાં આવતા ખોરાકમાં ખાંડનું પ્રમાણ, બિનઆરોગ્યપ્રદ ખોરાક જેમ કે, જંક ફૂડ, ઠંડા પીણાં, વગેરેની નોંધ રાખવામાં આવશે. ઉપરાંત વધુ પડતા ખાંડના સેવન સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય જોખમો અને આરોગ્યપ્રદ આહાર જેવી આવશ્યક માહિતી શાળા કક્ષાએથી વિદ્યાર્થીઓને પ્રદાન કરવાની રહેશે. જેથી વિદ્યાર્થીઓ ખોરાકની પસંદગી વિશેની જાણકારી મેળવે અને તેમના લાંબા ગાળાના સ્વાસ્થ્ય લાભોને પ્રોત્સાહન મળી શકે. રોજિંદા જીવનમાં ખાંડનો વધુ પડતો ઉપયોગ ન કરવા અંગે શાળા કક્ષાએ જાગૃતિ સેમિનાર તેમજ વર્કશોપનું આયોજન પણ કરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે, એક અભ્યાસ પ્રમાણે ૦૪ થી ૧૦ વર્ષની વયના બાળકો અત્યારે સરેરાશ દૈનિક કેલરીના સેવનમાં ૧૩ ટકા જેટલી અને ૧૧ થી ૧૮ વર્ષની વયના બાળકો ૧૫ ટકા જેટલી ખાંડનો ઉપયોગ કરે છે. ખરેખર ખાંડનો ઉપયોગ પાંચ ટકા થવો જોઈએ તેના બદલે બાળકોમાં ખાંડનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે. અત્યારે સરળતાથી ઉપલબ્ધ ખાંડવાળા નાસ્તા, પીણાં અને પ્રોસેસ્ડ ખોરાકનું સેવન વધી રહ્યું છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતાજનક છે. શાળા કક્ષાએ સુગર બોર્ડ લગાવવાથી બાળકો-વિદ્યાર્થીઓમાં આ અંગે વધુમાં વધુ જાગૃતિ આવશે.