રાજ્યના 18 જિલ્લાના 74 સ્થળો ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ અને બ્લેકઆઉટનું સફળ આયોજન

Rudra
By Rudra 3 Min Read

કેન્દ્રીય ગૃહ વિભાગની માર્ગદર્શિકા અનુસાર, ગુજરાતના ૧૮ જિલ્લાઓમાં આજે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ અને બ્લેકઆઉટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, વિવિધ વિભાગો અને જિલ્લા પ્રશાસન દ્વારા આ કાર્યક્રમનું ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્ર સુરક્ષાની દિશામાં રાજ્યના નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો.

આ મોકડ્રીલની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓના ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ૨૪ કલાક હોટલાઈન તેમજ સેટેલાઈટ ફોન કાર્યરત કરવામાં આવ્યા હતા.

આજે પૂર્વ નિર્ધારિત સમય મુજબ સાંજે ૦૪:૦૦ કલાકે રાજ્યના વિવિધ ૧૮ જિલ્લાના કુલ ૭૪ સ્થળોએ સુરક્ષાના ભાગરૂપે સાયરન વાગ્યા બાદ મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલમાં ટ્રેનિંગ મેળવેલા કુલ ૧૩,૦૬૯ નાગરિકોએ તથા ૧૦,૦૦૦ જેટલા સિવિલ ડિફેન્સ સ્ટાફે સક્રિય ભાગ લીધો હતો. આ સ્થળોમાં કાકરાપાર અણુ મથક, ગીફ્ટ સીટી વગેરે સહિતના સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ તમામ જિલ્લાઓમાં ઈનકમિંગ એર રેડ, ફાયર ઇન ધ બિલ્ડિંગ, સર્ચ એન્ડ રેસ્ક્યુ, કેઝ્યુઆલિટી ઈવેક્યુએશન ફ્રોમ ધ ડેમેજ્ડ બિલ્ડિંગ્સ, સેટિંગ અપ ઓફ ટેમ્પરરી હોસ્પિટલ તથા ઈવેક્યુએશન ઓફ સિવિલિયન્સ ફ્રોમ એનડેન્જર્ડ એરિયાઝ ટુ બેન્કર્સ એન્ડ ડીમિલીટરાઈઝ્ડ ઝોન્સ જેવા કુલ ૦૬ પરિસ્થિતિ દરમિયાનની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી હતી.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીએ આજે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક યોજીને મોકડ્રીલનું વર્ચ્યુઅલ નિદર્શન અને પ્રગતિ સમીક્ષા કરી હતી.

આ ઉપરાંત મોકડ્રીલ કામગીરીના મોનિટરીંગ માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિ તથા રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેના માર્ગદર્શન હેઠળ કુલ ૦૩ ટીમની રચના કરવામાં આવી હતી. જે મીનીટ ટુ મીનીટ પ્રગતિની નોંધ રાખી અને મોકડ્રીલ હેઠળના જિલ્લા તેમજ ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલય વચ્ચે સંકલનની ભૂમિકા નિભાવી હતી.

આ મોકડ્રીલના ભાગરૂપે સાંજે ૦૭:૩૦ થી ૦૯:૦૦ કલાકે યોજાનાર બ્લેક આઉટ અંગે તમામ નાગરિકો સજાગ બને તથા કોઇપણ ભય / ગેરસમજ ના થાય તે અંગે વિવિધ મીડીયા માધ્યમથી નાગરિકોને સમજૂત કરવામાં આવ્યા હતા.

સિવિલ ડિફેન્સ મોકડ્રિલ અને બ્લેકઆઉટના આયોજન દ્વારા રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે તંત્રની તૈયારીઓ અને સ્વયં નાગરિકોની જાગરૂકતાને મજબૂત કરવાનો ઉદ્દેશ સફળ રીતે પૂર્ણ થયો હતો. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ સહયોગ માટે તમામ નાગરિકો અને સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો છે.

Share This Article