અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ(એએમટીએસ)ની કોન્ટ્રાક્ટ કંપનીના ડ્રાઇવરો આજે સતત બીજા દિવસે તેમની હડતાળ પર અડગ રહ્યા હતા. પગાર વધારો અને અન્ય પડતર માંગોને લઈ ચાર્ટર્ડ સ્પિડ લિમિટેડ કંપનીના ૨૦૦થી વધુ ડ્રાઇવર કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જેને લઈ આજે સરદાર બાગ ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે ધરણા યોજવામાં આવ્યા હતા. જા કે, એએમટીએસ બસના ડ્રાઇવરોની હડતાળના કારણે શહેરમાં બસ સેવા પ્રભાવિત થઇ હતી. આ હડતાળથી એએમટીએસની ૧૦૦થી વધુ બસો માર્ગો પર ઓછી દોડતા ખાસ કરીને મહિલા, બાળકો અને વૃધ્ધો સહિતના મુસાફરો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. બીજીબાજુ, ચાર્ટર્ડ Âસ્પડ લિમિટેડ કંપનીના ડ્રાઇવરોની હડતાળને લઇ અમ્યુકો સત્તાધીશોએ પણ ગંભીર નોંધ લઇ આકરૂં વલણ અપનાવ્યું છે અને કોન્ટ્રાક્ટ કંપનીને શો-કોઝ નોટિસ ફટકારી તેની પાસેથી ખુલાસો માંગ્યો છે.
એટલું જ નહી, અમ્યુકોએ કોન્ટ્રાક્ટ કંપનીને બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચાર્ટર્ડ સ્પિડ કંપનીનો એએએમટીએસ સાથે કોન્ટ્રાક્ટ છે. કોન્ટ્રાક્ટર ચાર્ટર્ડ સ્પીડને અમ્યુકો દ્વારા નોટિસ આપવામાં આવી છે. ઝડપથી મામલાનું સમાધાન કરી બસ સેવા શરૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં કોન્ટ્રાક્ટરને દંડ પણ ફટકારવામાં આવી શકે છે. બીજીબાજુ, ડ્રાઇવરોની હડતાળના કારણે શહેરમાં એએમટીએસની ૧૦૦ જેટલી બસો માર્ગો પર ઓછી દોડી રહી છે.
૧૦૦ જેટલી બસો બંધ રહેવાના કારણે શહેરીજનો ખાસ કરીને મહિલા, વિદ્યાર્થીઓ અને વૃધ્ધો સહિતના મુસાફરો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. આ સંજાગોમાં અમ્યુકો સત્તાધીશોએ કોન્ટ્રાકટ કંપનીને તાકીદે હડતાળની સમસ્યાનો હલ લાવવા કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી હતી. કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે શહેરમાં દોડતી એએમટીએસની હડતાળના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. હડતાળનો અંત લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતાં જુદીજુદી માંગણીઓને લઇને એએમટીએસના બસ ચાલક મક્કમ રહેલા છે. ચાલકોનું કહેવું છે કે, જે કંપનીના કોન્ટ્રાક્ટથી કંપનીની બસ ચાલે છે તેમને પૈસાની ચુકવણી કરવામાં આવી નથી. પગારની ચુકવણી નહીં કરવાથી હડતાળની શરૂઆત કરવામાં આવી છે. આ તમામ બસ ડ્રાઇવરો કોન્ટ્રાક્ટ ઉપર સેવા આપી રહ્યા છે. એએમટીએસના વર્કશોપમાં સામૂહિકરીતે વેતનની માંગ કરવામાં આવી હતી. લોકોને હાલમાં ભારે મુશ્કેલી નડી રહી છે.