મુંબઇ : શેરબજારમાં આજે સતત બીજા કારોબારી દિવસે તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૦.૫ ટકા ઉછળીને નવી સપાટી ઉપર રહ્યો હતો. ડિસેમ્બર સિરિઝમાં ફ્યુચર એન્ડ ઓપ્શન (એફ એન્ડ ઓ) કોન્ટ્રાક્ટની પૂર્ણાહૂતિના દિવસે બજારમાં સારી સ્થિતિ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૫૭ પોઇન્ટ ઉછળીને ૩૫૮૦૭ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૦ પોઇન્ટ ઉછળીને ૧૦૭૮૦ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૧.૪ ટકાનો ઉછાળો રહ્યો હતો. ઇન્ફોસીસ અને ટીસીએસના શેરમાં તેજી જામી હતી. એફએમસીજી ઇન્ડેક્સમાં ૧.૩ ટકાનો ઉછાળો રહ્યો હતો.
બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૩ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૩ ટકાનો ઉછાળો રહ્યો હતો. શેરબજારમાં ગઇકાલે ત્રણ દિવસથી ચાલતી મંદી ઉપર બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે સેંસેક્સ ઉતારચઢાવ બાદ ૧૮૦ પોઇન્ટ સુધરીને ૩૫૬૫૦ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સમાં ૬૬ પોઇન્ટનો ઉછાળો નોંધાતા તેની સપાટી ૧૦૭૩૦ રહી હતી. સરકારે છેલ્લા થોડાક સપ્તાહ દરમિયાન જ અનેક મોટા નિર્ણય લીધા છે. હાલમાં જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક મળી હતી.
આ બેઠકમાં કેટલીક રાહત અપાઈ હતી જેના ભાગરુપે ફિલ્મોની ટિકિટ, ટીવી સેટ, કોમ્પ્યુટર, પાવર બેન્ક, ટીવી સ્ક્રીન સહિતની દરરોજ ઉપયોગમાં આવતી ૨૩ ચીજવસ્તુઓ પર જીએસટી રેટમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ આ તમામ ચીજા પહેલી જાન્યુઆરી ૨૦૧૯થી સસ્તી થશે. ગઇકાલે શનિવારના દિવસે જે ચીજવસ્તુ પર દર ઘટાડવામાં આવ્યા હતા તે દર પહેલી જાન્યુઆરીથી લાગુ થશે. જે ચીજવસ્તુઓ પર ટેક્સ ઘટાડવામાં આવ્યો હતો તેમાં ૧૭ ચીજ વસ્તુઓ અને છ સર્વિસનો સમાવેશ થાય છે. છ વસ્તુને ૨૮ ટકાના સ્લેબમાંથી ઘટાડીને ૧૮ ટકાના જીએસટી સ્લેબમાં મુકવામાં આવી હતી.નાણામંત્રી અરૂણ જેટલીએ જીએસટી કાઉન્સિલની બેઠક બાદ ગઇકાલે આ અંગેની જાહેરાત કરી હતી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટાયર, વીસીઆર અને લિથિયમ બેટરીને ૨૮ ટકાના સ્લેબમાંથી ઘટાડીને ૧૮ ટકાના સ્લેબમાં લવાયા હતા. ૩૨ ઈંચ સુધીના ટીવી પર દરો ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાયા હતો.વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ભારતીય મૂડી માર્કેટમાં ૪૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા.