મુંબઇ : શેરબજારમાં આજે પણ મંદીનો માહોલ અકબંધ રહ્યો હતો. કારોબારના અંતે બીએસઇ સેંસેક્સ ૨૮૭ પોઇન્ટ ઘટીને ૩૩૮૪૭ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૯૮ પોઇન્ટ ઘટીને ૧૦૧૪૭ની નીચી સપાટી પર રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં ૨.૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. વિપ્રો, ઇન્ફોસીસ અને ટીસીએસના શેરમાં જારદાર કડાકો બોલી ગયો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં પણ ૨.૯ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. સન ફાર્માના શેરમાં મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. વ્યતક્તિગત શેરની વાત કરવામાં આવે તો એશિયન પેઇન્ટસના શેરમાં ૪.૮ ટકાનો ઘટાડો થયો હતો.
નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓમાં લિક્વિડીટીની કટોકટીથી રોકાણકારો હચમચી ઉઠ્યા છે. આ મુદ્દાને હાથ ધરવા માટે સરકાર અને આરબીઆઈ તરફથી જુદા જુદા પગલા લેવામાં આવ્યા હોવા છતાં નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓમાં કટોકટીને લઇને ચિંતા દૂર થઇ રહી નથી. આઈએલએન્ડએફએસની કટોકટી બાદ હવે એનબીએફસીમાં નવી કટોકટી ઉભી થઇ છે જેથી વેચવાલીનું વાતાવરણ રહ્યું છે. આરબીઆઈ દ્વારા લિક્વિડીટી ઠાલવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે પરંતુ મૂડીરોકાણકારોનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવાની બાબત સરળ દેખાઈ રહી નથી. ઓક્ટોબર સિરિઝના ફ્યુચર એન્ડ ઓપ્શનની ગુરુવારના દિવસે પૂર્ણાહૂતિ થશે. ક્રૂડ ઓઇલની વધતી જતી કિંમતો ભારત માટે પડકારરુપ બની ગઈ છે.
બીજી બાજુ કમાણીની સિઝન જારદારરીતે ચાલી રહી છે. આઈટીસી, એશિયન પેઇન્ટ્સ, અદાણી પોર્ટ, અંબુજા સિમેન્ટ, કોટક મહિન્દ્રા, યશબેંક, મારુતિ, વિપ્રો, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ દ્વારા પરિણામો જારી કરાશે. આ સપ્તાહ દરમિયાન સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના આંકડા તેમના દ્વારા જારી કરાશે. સોમવારના દિવસે કારોબારના અંતે સેન્સેક્સ ૧૮૧ પોઈન્ટ ઘટીને ૩૪૧૩૪ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ઈન્ડેક્સ ૫૮ પોઈન્ટ ઘટીને ૧૦૨૪૫ની નીચી સપાટીએ રહ્યો હતો. એશિયન શેરબજારમાં પણ મંદી જાવા મળી હતી. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર, સાઉદી અરેબિયામાં નવેસરના ઘટનાક્રમની અસર પણ જાવા મળી રહી છે. આજે કારોબાર દરમિયાન દક્ષિણ કોરિયાના કોસ્પ અને હોંગકોંગના હેંગસેંગમાં ત્રણ ત્રણ ટકાનો ઘટાડો થયો હતો. જાપાનના નિક્કીમાં ૨.૭ ટકા સુધીનો ઘટાડો થયો હતો. જાપાન સહિત આ પ્રદેશ માટેના એમએસસાઇ ઇન્ડેક્સમાં મે ૨૦૧૭ બાદથી જારદાર ઘટાડો થયો હતો. શેરબજારમાં પ્રવાહી સ્થિતીના કારણે કારોબારી હાલમાં દિશાહીન થયેલા છે. સાથે સાથે અવિરત ઘટાડો થવાના કારણે ભારે નુકસાન પણ થઇ રહ્યુ છે.