મુંબઇ : શેરબજારમાં આજે તેજીનુ મોજુ ફરી વળ્યુ હતુ. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૪૪૪ પોઇન્ટ ઉછળીને ૩૭૪૯૮ની સપાટી પર હતો. જ્યારે નિફ્ટી ૧૨૯ પોઇન્ટ ઉછળીને ૧૧૨૯૭ની સપાટી પર હતો. આજે દિવસ દરમિયાન જોરદાર તેજી રહી શકે છે. શરૂઆતી કારોબારમાં અનેક શેરમાં તેજી રહી હતી.શેરબજારમાં ગઇકાલે જોરદાર તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૩૮૩ પોઇન્ટ ઉછળને ૩૭૦૫૪ની સપાટીએ રહ્યો હતો.
સેંસેક્સે ફરી એકવાર ૩૭૦૦૦ની સપાટી હાંસલ કરી હતી. મૂડી રોકાણકારો દ્વારા વ્યાપક લેવાલી વચ્ચે સેંસેક્સે આ સપાટી મેળવી હતી. રવિવારના દિવસે ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણીની જાહેરાત બાદ એનડીએ સરકારની આશા ઉજળી દેખાયા બાદ મૂડીરોકાણકારો આશાવાદી દેખાઈ રહ્યા છે. છ મહિનામાં સૌથી મોટો ઉછાળો જાવા મળ્યો હતો. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સમાં ૬૦૮ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૧૭૨ પોઇન્ટનો ઉછાળો જાવા મળ્યો હતો.
જાણકાર લોકોના કહેવા મુજબ આગામી સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની વાપસીના સંકેત હવે દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બજારમાં તેની અસર રહી શકે છે. ચૂંટણી પહેલાના ઘટનાક્રમની અસર પણ રહી શકે છે.અત્રે નોંધનીય છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ માર્ચના પ્રથમ પાંચ કારોબારી સેશનમાં મૂડી માર્કેટમાં ૨૭૪૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. શેરબજારમાં હકારાત્મક સ્થિતિ આના માટે જવાબદાર છે. વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં ૧૧૭૮૯૯.૭૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. સાથે સાથે ૧૦૦૬૮૦.૧૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. આ રીતે ફેબ્રુઆરી મહિનામાં શેરબજારમાં રોકાણનો આંકડો ૧૭૨૧૯.૬૨ કરોડ રહ્યો હતો.