મુંબઈ : શેરબજારમાં આજે જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. રેંજ આધારિત કારોબાર થયો હતો. આજે કારોબારના અંતે સેંસેક્સ ૩૪૧ પોઇન્ટ ઉછળીને ૩૬૨૧૩ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૮૮ પોઇન્ટ ઉછળીને ૧૦૮૮૦ની સપાટીએ રહ્યો હતો. બેંચમાર્ક ઇન્ડેક્સમાં આજે જોરદાર તેજી જામી હતી. ઇન્ફોસીસ, ટીસીએસ, આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં તેજી રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૨.૦૩ ટકાનો ઉછાળો રહ્યો હતો. ટીસીએસના શેરમાં તેજી જામી હતી. બીજી બાજુ નિફ્ટી ઇન્ડેક્સમાં પણ ઉછાળો જાવા મળ્યો હતો.
બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૬૦ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૨૩૦ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૧૦૦ પોઇન્ટ ઉછળીને ૧૩૬૧૮ની સપાટીએ રહ્યો હતો. વિપ્રોના શેર ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન ૧૯ વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યા હતા. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ગયા સપ્તાહમાં ૬૩ પોઇન્ટનો સુધારો રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૬૭ પોઇન્ટનો ઉછાળો જાવા મળ્યો હતો. જીડીપીના આંકડા ઉપર કારોબારીઓની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ગુરુવારના દિવસે ભારતના ત્રીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જારી કરવામાં આવનાર છે. ભારતમાં આ નાણાંકીય વર્ષમાં જીડીપી દર ૭.૨ ટકા દર્શાવવામાં આવ્યો છે. અગાઉના ત્રણ વર્ષોમાં જીડીપીનો આંકડો ૮.૨ ટકા અને ૭.૨ ટકા રહ્યો છે.
નીતિ આયોગના કહેવા મુજબ વિશ્વમાં જીડીપી ગ્રોથનો આંકડો ૨૦૧૮-૧૯માં ૩.૭ ટકા રહેશે જ્યારે ભારત ૭.૨ ગ્રોથરેટ હાંસલ કરી શકે છે. બ્રાઝિલ, ચીન, ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, રશિયા, દક્ષિણ આફ્રિકા અને તુર્કીના બનેલા સાત ઉભરતા માર્કેટના અર્થતંત્રમાં વિકાસદર ૩.૫ ટકા છે જ્યારે ભારતનો વિકાસ દર ૭.૨ ટકા છે જે દર્શાવે છે કે, ભારત સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર પૈકી છે. ચીન અને અમેરિકા વચ્ચેની મંત્રણા રાહત આપે તેવી દેખાઈ રહી છે. કેટલાક હકારાત્મક સંકેતો મળવા લાગી ગયા છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આશાવાદી વાત કરી છે. સાનુકુળ વેપાર સમજૂતિ ઉપર પહોંચવા આગામી મહિનામાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને ચીની પ્રમુખ જિંગપિંગ બેઠક યોજનાર છે.
બીજી બાજુ એફ એન્ડ ઓ એક્સપાયરીને લઇને પણ ચર્ચા જાવા મળી રહી છે. આનાથી સ્થાનિક શેરબજારમાં ઉથલપાથલ થશે. ગુરુવારના દિવસે આ કોન્ટ્રાક્ટની પૂર્ણાહૂતિ થશે. રોકાણકારો માર્ચની સિરિઝમાં મોરચા સંભાળવા જઈ રહ્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં તેજીની શરૂઆત થઇ ચુકી છે. સામાન્ય ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં યોજાનાર છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી શકે છે.