સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બુર્જ ખલિફાની જેમ લાઇટીંગ હશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: આગામી તા.૩૧ ઓક્ટોબરના રોજ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર દુબઈની બુર્જ ખલિફા ઈમારતની માફક ફિલ્મ દર્શાવવામાં આવશે. આમ સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં વધુ એક આકર્ષક નજરાણું ઉમેરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે ૭૦ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ પણ આપી દીધો છે. જેમાં જર્મન ટેકનોલોજીથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ફિલ્મ બતાવવામાં આવશે. દેશ-વિદેશના મહેમાનો અને મુલાકાતીઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકર્ષણ જમાવવાના પ્રયાસના ભાગરૂપે સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, હાલ દુબઈની બુર્જ ખલિફામાં દરરોજ અલગ-અલગ પ્રોજેક્શન મેપિંગથી ફિલ્મ દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત પ્રસંગોપાત વિવિધ ખાસ પ્રકારની થીમ ઉપર પણ ફિલ્મ દર્શાવવામાં આવે છે. આ જ રીતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ ફિલ્મ બતાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બુર્જ ખલિફા બિલ્ડીંગ પર મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ પ્રસંગે ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પ્રકારે જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પણ વિવિધ ફિલ્મ્સ પ્રદર્શિત કરવામાં આવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ પેહલા ભારત ભવન અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી વ્યૂ પોઇન્ટ ૧ કેવડિયા કોલોની સુધીના લગભગ ૭ થી ૮ કિ.મી. વિસ્તારને વિવિધ પ્રકારની લાઇટ અને રોશનીથી સજાવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. સ્ટેચ્યૂની ફરતે ૩ અલગ અલગ મોટા ટાવર ઉભા કરી દેવામાં આવ્યા છે.

જેમાં એક પોલ પર ૨૪ વ્હાઇટ ફ્રેઝર જયારે સામેના પોલ પર ૫૦થી વધુ લાઈટ લગાડવામા આવશે. એક લાઈટ ૧૦૦૦ વોટની હશે. લાઇટિંગનું કામ કરવા માટે દુબઇની ખાનગી કંપનીને ૧.૨૩ કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જે ખાસ પ્રકારની લાઈટ્‌સ લગાવશે. માત્ર એટલું જ નહીં, રાત્રે પ્રવાસીઓ સ્ટેચ્યૂને મન ભરીને માણી શકે તે માટે ૧૮૨ મીટર સુધી લાઇટિંગ દેખાય એવી લેસર લાઈટ નાખવામાં આવશે. આમ, ઝળહળતી આકર્ષક લાઇટીંગ સાથેના નજારા વચ્ચે ફિલ્મ મારફતે આકર્ષણ જમાવવાનો પ્રયાસ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રિયતા અને તેની ઐતિહાસિકતાને  વિશ્વભરમાં ખ્યાતિ પમાડશે તે નક્કી છે.

 

Share This Article