અમદાવાદ : રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાથી યુવા પેઢી વાકેફ થાય અને વતન પ્રત્યે વધુ આત્મીયતા અને લગાવ આવે તેવા આશયથી મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણાથી અને બિન નિવાસી ગુજરાતી પ્રભાગ મંત્રી પ્રદિપસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત બિન નિવાસી પ્રભાગ દ્વારા ગુજરાત પરિભ્રમણ યોજના અમલી બનાવી છે જે હેઠળ તામિલનાડુ રાજ્યના ૨૫ યુવાઓની પ્રથમ બેચ ગુજરાતના પ્રવાસે આવી છે. આ યુવાઓ રાજ્યની ઐતિહાસિક ધરોહર સમાન કલા, વારસો, ઐતિહાસિક સ્થળો તથા આતિથ્ય ભાવથી અત્યંત પ્રભાવીત થયા છે.
ગુજરાત પરિભ્રમણ યોજના અંતર્ગત ગુજરાત પ્રવાસે આવેલા આ વિદ્યાર્થીઓને કૃષિ ગ્રામ વિકાસ રાજય મંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી પરમારે ઉમેયું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણનું વર્ષ ૨૦૧૩માં ખાતમુહૂર્ત કર્યુ હતું જે આજે સાકાર થયું અને વૈશ્વિક સ્તરે ગુજરાત નવી ઓળખ સાથે પ્રસ્થાપિત થયુ છે. આ પ્રતિમા નિહાળવાનો અવસર માણવા તેમણે અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓને આહવાન કર્યુ હતું. મંત્રી પરમારે કહ્યું કે, વડાપ્રધાનના દીર્ઘદ્રષ્ટીપૂર્ણ આયોજનના કારણે રાજ્યની અનેકવિધ યોજનાઓ આજે રાષ્ટ્ર પ્રસ્થાપિત થઇ છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ વિકાસ કૂચને જાળવી રાખી છે અને આરોગ્ય ક્ષેત્રે મુખ્યમંત્રી અમૃતમ યોજના, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના તથા યુવાનો માટે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અમલી બનાવી છે, જે રાજ્ય માટે ગૌરવરૂપ છે. ગુજરાત પરિભ્રમણ યોજના થકી વિવિધ રાજ્યોના નિહાળવાનો પણ અવસર પ્રાપ્ત થશે ત્યારે આવનારા સમયમાં તમામ રાજ્યોના યુવાઓ વધુને વધુ આ યોજનાનો લાભ લઇને રાજ્યના કલા વારસા, સંસ્કૃતિ તથા વિકાસ યાત્રાને માણે એ માટે ગુજરાતમાં સૌનું સ્વાગત છે એમ એમણે ઉમેર્યુ હતું. બિન નિવાસી ભારતીય પ્રભાગના સચિવ સીવી સોમે કહ્યું હતું કે, અન્ય રાજ્યોમાં વસતા બિન-નિવાસી ગુજરાતીઓની યુવા પેઢીને પોતાના વતન સાથેનો નાતો વધુ સુદ્ઢ બનાવવાની આ યોજના હેઠળ ૧૦ દિવસની મુલાકાત લઇ રાજ્યની સંસ્કૃતિ, ઔદ્યોગિક પ્રગતિ, મહત્વની યોજનાઓ, શિક્ષણ, ઊર્જા, પ્રવાસન અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવવાની સાથે સાથે રાજ્યની ભાષા, હાથ વણાટ, રસોઇ કળાની જાણકારી આપવામાં આવી છે. જેના થકી તેઓ દ્વારા રાજ્યના વિકાસ આતિથ્ય ભાવ તથા કલાવારસાનો તેઓના રાજ્યમાં પ્રચાર-પ્રસાર કરશે.