લોકાર્પણમાં એક પણ રાજયના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા નહીં

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ : દેશના પહેલાં નાયબ વડાપ્રધાન, ગૃહ મંત્રી અને સૂચના પ્રસારણ મંત્રી સરદાર વલ્લભ ભાઈ પટેલની જ્યંતી પર વડાપ્રધાન મોદીએ આજે ગુજરાતમાં નર્મદાના કાંઠે ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કર્યું ત્યારે લોકાર્પણ પ્રસંગે જ આ કાર્યક્રમમાં સ્ટેજ પર કોઈ યુનિટી જોવા મળી ન હતી. એટલે કે વિશ્વની સૌથી ઉંચી મૂર્તિના અનાવરણમાં દેશના એક પણ રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં ન હતા. સ્ટેજ પર માત્ર બે રાજ્યના રાજ્યપાલ આંનદીબહેન પટેલ અને વજુભાઇ વાળા જ હાજર રહ્યાં હતા અને તે પણ ગુજરાતી હોવાથી ઉપસ્થિત રહ્યાં હતા. બિનગુજરાતી અને અન્ય રાજયોના ભાજપના નેતાઓ કાર્યક્રમમાં ગેરહાજર રહેતાં ગંભીર નોંધ લેવાઇ છે અને આટલી ગંભીર સૂચક ગેરહાજરીને લઇ હવે સવાલો ઉઠી રહ્યા છે.

સામાન્ય રીતે ભાજપે જે જે રાજ્યમાં વિધાનસભા સર કરી છે ત્યાં શપથ સમારંભમાં એનડીએ શાસિત મુખ્યમંત્રીઓની વણઝાર હોય છે પરંતુ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના અનાવરણમાં સ્ટેજ પર મૂળ ગુજરાતી હોય તેવા જ રાજનેતાઓ જોવા મળ્યાં હતા. સ્ટેજ પર ન જોવા મળી યુનિટી, જેને લઇ હવે દેશભરમાં ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. મોદી આ મૂર્તિનું અનાવરણ કરવાના હોય ત્યારે ભાજપ સ્ટાઈલ મુજબ ભારે ભપકો અને દેખાવો કરવાના ઓરતા હતા. જો કે તેમાં કંઈક અંશે સફળતા પણ મળી. આ કાર્યક્રમ પહેલાં દેશના દરેક રાજ્યોના મુખ્યમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યાં હતા. જે અંતર્ગત એક ઉચ્ચ સ્તરીય ટીમને ગઠીત કરી દેશના દરેક મુખ્યમંત્રીની મુલાકાત કરી આમંત્રણ અપાયાં હતા. યુપીના સીએમ યોગી આદિત્યાનાથને ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી આમંત્રણ આપવા પહોંચ્યા હતા. તો બિહારના સીએમ નીતિશ કુમારને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે આપ્યું હતું. તો ઝારખંડના સીએમ રઘુવર દાસને ગુજરાત સરકારના મંત્રી કૌશિકભાઈ પટેલના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે આમંત્રણ આપ્યું હતું.જો કે આ કાર્યક્રમના સ્ટેજ પર યુનિટી જોવા મળી ન હતી અને અનાવરણના કાર્યક્રમમાં ગેરભાજપ શાસિત મુખ્યમંત્રી કે તેમના પ્રતિનિધો તો ઠીક ભાજપ શાસિત પ્રદેશના કોઇ મુખ્યમંત્રી કે કોઈ અધિકારીઓ લગભગ હાજર રહ્યાં ન હતા.

એકપણ રાજયના મુખ્યમંત્રી આટલા મોટા અને ઐતિહાસિક કાર્યક્રમમાં હાજર નહી રહેતાં તેઓની ગેરહાજરીની સૂચક અને ગંભીર નોંધ લેવાઇ હતી. જેને લઇ હવે ભાજપ સામે સવાલો ઉઠી રહ્યા છે કે આવું કેમ થયું. બીજીબાજુ, અનાવરણના કાર્યક્રમ દરમ્યાન મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા જ માત્ર હાજર રહ્યાં હતા. જો કે તેઓ ગુજરાતી હોવાને કારણે સ્ટેજ પર હાજર રહ્યાં હતા. અખંડ ભારતના નિર્માતા તરીકે સરદાર પટેલને કાયમ યાદ કરવામાં આવે છે. પરંતુ સરદારના નામ ભપકદાર કાર્યક્રમ કરનાર નેતાઓ સરદારના નામે લોકોને એકઠાં કરી શક્યા ન હતા ત્યારે સવાલ થાય કે આ કેવી યુનિટી? ભાજપ કે મોદી કેમ બધાને એકમંચ પર લાવી ના શકયા તે સવાલો હવે ચર્ચાઇ રહ્યા છે.

Share This Article